ઓમિક્રોન : આફ્રિકી દેશોથી આવેલા દસ વિદેશી લાપતા

બેંગલુરુનું વહીવટી તંત્ર તપાસમાં
નવી દિલ્હી, તા. 3 : દેશમાં ઓમિક્રોન વાયરસના ખતરા વચ્ચે બેંગ્લોરમાં આફ્રિકી દેશોથી આવેલા 10 વિદેશી નાગરિક લાપતા બની ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે. બેંગ્લોર મહાનગરપાલિકા અને સ્વાસ્થ્ય વિભાગ તેમનો સંપર્ક કરી શકતા નથી.
આ તમામ નાગરિકો દક્ષિણ આફ્રિકી દેશોથી ભારત આવ્યા છે પણ ચિંતાની વાત એ છે કે તમામનો કોઈ અતોપતો નથી અને તેમના ફોન બંધ થઈ ગયા છે. બેંગ્લોર મહાપાલિકાના કમિશનર ગૌરવ ગુપ્તાના જણાવ્યા અનુસાર તમામના ફોન સ્વિચ ઓફ આવી રહ્યા છે પણ સ્વાસ્થ્ય વિભાગ તેમની તપાસમાં છે. ઓમિક્રોનના પ્રવેશ બાદ દક્ષિણ આફ્રિકાથી બેંગ્લોરમાં પ7 મુસાફર આવ્યા છે, જે પૈકી 10નો પતો મળતો નથી. 
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકાનો એક નાગરિક જે ભારત આવીને દુબઈ ચાલ્યો ગયો તે પણ ઓમિક્રોનથી સંક્રમિત હોવાનું સામે આવતાં તંત્રમાં દોડાદોડ મચી હતી. તે જ્યારે દુબઈ ગયો તે પછી જીનોમ સિક્વેન્સિંગનો રિપોર્ટ આવ્યો હતો. બતાવાઈ રહ્યું છે કે તે ભારતમાં ઓમિક્રોનનો પહેલો કેસ હતો.
એક અંગ્રેજી અખબારમાં પ્રકાશિત હેવાલ અનુસાર ઓમિક્રોનથી સંક્રમિત દક્ષિણ આફ્રિકાના આ નાગરિકની વય 66 વર્ષની હતી. તે એક દવા બનાવતી કંપનીનો પ્રતિનિધિ હતો.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust