બંગાળની ખાડીમાં હળવું દબાણ ચક્રવાત જવાદમાં ફેરવાયું

રવિવારે ઓડિશાના પુરી તટે ટકરાવાની શક્યતા
નવી દિલ્હી, તા. 3 : બંગાળની ખાડીમાં હવાના હળવાના દબાણનુ ંક્ષેત્ર ચક્રવાતી તોફાન `જવાદ'મા તબદીલ થયું છે. આઈએમડીના કહેવા પ્રમાણે ચક્રવાત શનિવારે સવારે ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના તટ પાસે પશ્ચિમ-મધ્ય બંગાળની ખાડીએ પહોંચવાની સંભાવના છે. ત્યારબાદ રવિવારે ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના તટીય ક્ષેત્ર સાથે ટકરાવાની શક્યતા છે. 
હવામાન વિભાગના કહેવા પ્રમાણે જવાદ પુરી પાસે ઓરિસ્સાના તટે રવિવારે બપોરે લેન્ડફોલ કરી શકે છે. જવાદ ચક્રવાતને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે અધિકારીઓની ઉચ્ચ સ્તરની બેઠક બોલાવીને તૈયારીઓની સમીક્ષા કરી હતી અને જરુરી નિર્દેશો આપ્યા હતા. આ નિર્દેશોમાં જરૂરીયાત પ્રમાણે જોખમી વિસ્તારોને ખાલી કરાવવા , આવશ્યક સેવાઓની બહાલી અને તબાહીની સ્થિતિ થાય તો તેને ઝડપથી સામાન્ય બનાવવાનું કાર્ય સામેલ હતું.  
સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે તમામ મંત્રાલય, તમામ એજન્સીઓ સ્થિતિનો મુકાબલો કરવા માટે સાથે મળીને કામ કરી રહ્યા છે. ઓરિસ્સાના દક્ષિણ તટ ઉપર 266 બચાવ ટીમો તૈનાત કરવાની યોજના બનાવવામાં આવી છે. જેમાં એનડીઆરએફ, રાજ્ય ફાયર સર્વિસ અને ઓરિસ્સા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની ટીમો સામેલ થશે. વધુમાં દરિયાકિનારે માછીમારીની પ્રવૃત્તિ રોકી લેવામાં આવી છે. આંધ્રપ્રદેશ સરકાર તરફથી પણ હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer