સ્પીકરપદે કૉંગ્રેસના આગેવાનની વરણી શિયાળુ સત્રમાં : પાટોલે

સ્પીકરપદે કૉંગ્રેસના આગેવાનની વરણી શિયાળુ સત્રમાં : પાટોલે
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : મહારાષ્ટ્રના વિધાનગૃહોના ડિસેમ્બરમાં યોજાનારા શિયાળુ અધિવેશનમાં વિધાનસભાના સ્પીકરની વરણી કરવામાં આવશે. ઉપરાંત સ્પીકર કૉંગ્રેસ પક્ષના જ હશે, એમ પક્ષના મહારાષ્ટ્ર એકમના વડા નાના પાટોલેએ જણાવ્યું છે. પાટોલેએ પત્રકારોને આજે જણાવ્યું હતું કે કોરોનાના ઉપદ્રવને કારણે અત્યાર સુધી અધિવેશનનો કાર્યકાળ ખૂબ જ અલ્પ હતો. તેથી અત્યાર સુધી સ્પીકરપદની ચૂંટણી થઈ શકી નહોતી. સ્પીકરપદની ચૂંટણી માટે ત્રણ દિવસ જેટલો સમય લાગે છે. જોકે, આવતી 22મી ડિસેમ્બરથી શરૂ થનારા શિયાળુ અધિવેશનમાં વિધાનસભાના સ્પીકરની ચૂંટણી મૌખિક મતદાનથી થશે. સ્પીકરની પસંદગી કરવાની વરણી કરવા માટે દેશના બધા રાજ્યોમાં મૌખિક મતદાનની પદ્ધતિ છે. તેમાં કશું જ ખોટું નથી. વિધાનસભાએ તેના નિયમોમાં ફેરફાર કર્યો છે. મહારાષ્ટ્રના વિધાન પરિષદના અધ્યક્ષની ચૂંટણી પણ મૌખિક મતદાનથી થાય છે. તેથી તેમાં કશું જ ખોટું નથી.
અમરાવતીમાં રમખાણો અંગે ફડણવીસે કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી ઉપર કરેલા આક્ષેપો અંગેના પ્રશ્નના જવાબમાં પાટોલેએ જણાવ્યું હતું કે તે રમખાણોમાં ભાજપના વિધાનસભ્ય અને નેતા સક્રિય હતા. ભાજપના નેતાઓએ જ ઉશ્કેરણીજનક વિધાનો કર્યા હતા. તેથી ફડણવીસે રમખાણો બદલ રાહુલ ગાંધી ઉપર આક્ષેપો કરવા એ ખોટું છે, એમ પાટોલેએ ઉમેર્યું હતું.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer