ત્રણ વડા પ્રધાનના સચિવ રહેલા હસમુખ શાહની વિદાય

ત્રણ વડા પ્રધાનના સચિવ રહેલા હસમુખ શાહની વિદાય
વડોદરા, તા. 3 : વડોદરામાં રહેતા બહુમુખી પ્રતિભા ધરાવતા હસમુખ શાહનું આજે દુ:ખદ અવસાન થયું છે. તેઓ 87 વર્ષના હતા. કરમસદની શ્રી કૃષ્ણ હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. હસમુખ શાહ સરકારી, જાહેર ક્ષેત્ર અને એક નાગરિક તરીકે અસાધારણ જીવન અને કારકિર્દી ધરાવતા હતા. તેમણે સંયુક્ત સચિવ તરીકે વડા પ્રધાન કાર્યાલયમાં  ત્રણ વડા પ્રધાન મોરારજી દેસાઈ, ચૌધરી ચરણ સિંહ અને ઈન્દિરા ગાંધી સાથે કામ કર્યું હતું.
આઈપીસીએલ (ઈન્ડિયન પેટ્રોકેમિકલ્સ કૉર્પોરેશન લિમિટેડ)નું ખાનગીકરણ થયું તે પહેલા તેઓ તેના ચૅરમેન અને મેનાજિંગ ડિરેક્ટર પણ હતા. કાર્યકાળ દરમિયાન તેમણે એન્જિનિયારિંગ પ્લાસ્ટિકના વિકાસ માટે જીઈ અને આઈપીસીએલ વચ્ચે સંયુક્ત સાહસ બનાવવા માટે જેક વેલ્ચને સમજાવ્યા.  
હસમુખ શાહે તેમના નિવૃત્તિ પછીના સમયગાળાનો ઉપયોગ અનેક સંસ્થાઓ સ્થાપવા માટે કર્યો.  તેઓ ગુજરાત ઇકોલોજી કમિશન (જીઈસી), ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેઝર્ટ ઇકોલોજી (જીયુઆઈડીઈ), ગુજરાત ઇકોલોજી સોસાયટી (જીઈએસ), ગુજરાત નેચર કન્ઝર્વેશન સોસાયટી (જીએનસીએસ)ના સ્થાપક અને હેરિટેજ ટ્રસ્ટના સ્થાપક અધ્યક્ષ હતા. 
હસમુખ શાહના પરિવારમાં તેમની પાછળ પત્ની નીલા, પુત્ર અમલાન અને પુત્રી અલ્પના છે.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer