પાકિસ્તાનથી આવતી હવાથી દિલ્હી પ્રદૂષિત!

પાકિસ્તાનથી આવતી હવાથી દિલ્હી પ્રદૂષિત!
તો શું પાકિસ્તાનના ઉદ્યોગો બંધ કરાવીશું: સુપ્રીમ કોર્ટ
નવી દિલ્હી, તા. 3 : દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણની સ્થિતિને લઈને દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનાવણી કરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે પ્રદૂષણ મામલે દિલ્હી સરકાર તેના બે ડિસેમ્બરના આદેશનું પાલન કરે તેમ કહ્યું હતું અને  એર ક્વોલિટી મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની અમલવારીનો આદેશ આપ્યો હતો.  આ દરમિયાન ઉત્તર પ્રદેશ સરકાર તરફથી હાજર વકીલે અજીબ તર્ક આપ્યો હતો અને કહ્યું હતું કે, પાકિસ્તાન તરફથી આવી રહેલી પ્રદૂષિત હવા દિલ્હીને પ્રભાવિત કરી રહી છે. આ જવાબ બાદ સીજેઆઈએ સવાલ કર્યો હતો કે શું તેઓ પાકિસ્તાનના ઉદ્યોગોને બંધ કરાવવા માગે છે ?
ઉત્તર પ્રદેશ સરકાર તરફથી રજૂ થયેલા વકીલ રંજીત કુમારે સુનાવણીમાં કહ્યું હતું કે, ઉદ્યોગો બંધ થવાના શેરડીનો ઉદ્યોગ પ્રભાવિત થઈ શકે છે. આ સાથે જ તર્ક આપ્યો હતો કે યુપીના ઉદ્યોગોનો ધુમાડો દિલ્હી તરફ તરફ નથી જતો બીજે જઈ રહ્યો છે. કારણ કે યુપી હવાના વહેણ તરફ છે. 
પ્રદૂષિત હવા પાકિસ્તાન તરફથી આવી રહી છે અને તેના કારણે જ  દિલ્હીમાં પ્રદૂષણ વધી રહ્યું છે. યુપીના વકીલના તર્ક ઉપર સીજેઆઈ સીવી રમનાએ મજાકના લહેકામા કહ્યું હતું કે તો શું તમે પાકિસ્તાનના ઉદ્યોગો ઉપર પ્રતિબંધ લાદવા માગો છો ?  બીજી તરફ દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં પ્રદૂષણની સ્થિતિના ઉકેલ માટે કેન્દ્ર સરકારે એન્ફોર્સમેન્ટ ટાસ્ક ફોર્સ અને ફ્લાઈંગ સ્કોડનું ગઠન કર્યું છે. 
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer