ભારતમાં કોવિડનો પ્રતિ દસ લાખ મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછો : મનસુખ માંડવિયા

ભારતમાં કોવિડનો પ્રતિ દસ લાખ મૃત્યુદર દુનિયામાં સૌથી ઓછો : મનસુખ માંડવિયા
વિપક્ષ રાજકારણને બદલે પરિસ્થિતિ પર ધ્યાન આપે 
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 3 : લોકસભામાં પ્રશ્નોત્તરી સમયગાળા પહેલાં કોવિડ-19 અંગેની ચર્ચાનો જવાબ આપવા અગાઉ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ શુક્રવારે વિરોધ પક્ષોને કોવિડ-19ની બીજી લહેર દરમિયાન અૉક્સિજનની અછત અંગે રાજકારણ બંધ કરવા અને જીવન રક્ષક ગૅસની માગને પહોંચી વળવા એના ઉત્પાદનને વધારવા માટેના કેન્દ્રના પ્રયાસોની નોંધ લેવા જણાવ્યું હતું.
પ્રશ્નોત્તરી દરમિયાન લોકસભાને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે અૉક્સિજનની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા તમામ સંભવિત પ્રયોસો કર્યા અને મહામારીની બીજી લહેર દરમિયાન માગમાં વધારો થતાં એનું ઉત્પાદન પણ વધાર્યું.
આ મુદ્દે કૉંગ્રેસના સાંસદ દ્વારા પુછાયેલા એક સવાલનો જવાબ આપતાં તેમણે કહ્યું, આવી પરિસ્થિતિમાં પણ અનેક જણ રાજનીતિ કરતા રહ્યા એ દુ:ખદ બાબત છે. હું અપીલ કરું છું કે અમે ઇમાનદારીપૂર્વક કરેલા પ્રયાસો પર ધ્યાન આપે. આ રાજકારણનો વિષય નથી.
માંડવિયાએ આ સમયગાળા દરમિયાન અૉક્સિજનની અછતને કારણે થયેલાં મૃત્યુ અંગેના દાવાઓ અંગે વિરોધ પક્ષો પર નિશાન સાધતાં કહ્યું કે, કેન્દ્રએ આ મામલે રાજ્યો પાસે ડેટા માગ્યા અને માત્ર પંજાબ સરકારે જવાબ આપ્યો કે આ પ્રકારનાં મૃત્યુના ચાર સંદિગ્ધ કેસ હતા અને એની તપાસ ચાલી રહી છે.
કુલ 19 રાજ્યોએ પ્રતિક્રિયા આપી અને માત્ર પંજાબે લેખિતમાં જવાબ આપ્યો હતો. અમે એ જાહેર કર્યો હોવા છતાં રાજનીતિ થઈ રહી હોવાનું માંડવિયાએ જણાવ્યું. 
શુક્રવારે કોરોના અંગે થયેલી ચર્ચા દરમિયાન મનસુખ માંડવિયાએ જણાવ્યું કે, ભારતમાં કોરોના વાયરસ સંબંધિત આંકડાઓ સમગ્ર વિશ્વની સરખામણીએ સૌથી ઓછા છે. તેમણે કહ્યું કે, ભારતમાં પ્રતિ દસ લાખ લોકોમાં પચીસ હજાર વાયરસના કેસ નોંધાયા હતા તો 340 લોકો મૃત્યુ પામ્યાં હતાં અને વિશ્વભરમાં આ પ્રમાણ સૌથી નીચું છે. પ્રધાને વધુમાં કહ્યું કે, કુલ 3.46 કરોડ લોકો સંક્રમિત થયા હતા, જેમાંથી 4.6 લાખ મૃત્યુ પામ્યાં હતાં. એટલે કે મૃત્યુદર 1.36 ટકા જેટલો રહ્યો હતો.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer