40થી વધુ વયનાને રસીનો બુસ્ટર ડૉઝ જરૂરી

40થી વધુ વયનાને રસીનો બુસ્ટર ડૉઝ જરૂરી
ઓમિક્રોનના ઉચાટ વચ્ચે વિજ્ઞાનીઓની સલાહ
નવી દિલ્હી, તા. 3 : દેશમાં ત્રીજી લહેરની આશંકા તેમજ ઓમિક્રોનની ઘુસણખોરી થતાં બુસ્ટર ડોઝની ચર્ચા ફરી જામી છે, ત્યારે `ઈન્સાકોગ'ના જણાવ્યાનુસાર 40 વર્ષથી વધુ વયના લોકો માટે બુસ્ટર ડોઝ જરૂરી છે.
ઈન્સાકોગ લેબ દ્વારા તેના સાપ્તાહિક બુલેટીનમાં આવી ભલામણ ભારપૂર્વક કરાઈ છે. લોકસભામાં પણ કોરોના મહામારીની સ્થિતિ પર ચર્ચામાં સાંસદોએ બુસ્ટર ડોઝની માંગ કરી હતી. ઈન્સાકોગ કોરોનાના જીનોમ વૈવિધ્યની દેખરેખ માટે સરકાર દ્વારા સ્થાપિત રાષ્ટ્રીય પરીક્ષણ પ્રયોગશાળાઓનું નેટવર્ક છે.
વૈજ્ઞાનિકોએ ખાસ સલાહ આપતાં જણાવ્યું હતું કે, રસી નહીં લેનારા લોકો માટે હજુ પણ કોરોનાનો ખતરો વધુ છે.
બીજી તરફ પશ્ચિમ બંગાળ સરકારે તો ટૂંકા ગાળામાં બૂસ્ટર ડોઝનું પરીક્ષણ કરવા માટે એક યોજના પણ બનાવવા માંડી છે.
હોસ્પિટલો અને પ્રયોગશાળામાં તેનું પરીક્ષણ શરૂ કરી દેવાયું છે, તેવી જાણ કરી આરોગ્ય વિભાગના એક અધિકારીએ આપી હતી.
કોવેક્સિન કારગત સાબિત થઈ શકે : આઈસીએમઆર
 દુનિયામાં કોરોનાનાં નવા સ્વરૂપ ઓમિક્રોનનો ખતરો વધી રહ્યો છે. આ અફરાતફરી વચ્ચે ઘણી રસી ઉત્પાદક કંપનીઓએ કોરોનાનાં આ નવા રૂપ સામે પોતાની રસીની અરસકારકતા અંગે શંકાઓ વ્યક્ત કરી છે. જો કે તેનાંથી વિપરિત ભારતમાં નિર્મિત કોરોનાની રસી કોવેક્સિન અંગે આઈસીએમઆરનું તજજ્ઞોને વિશ્વાસ દર્શાવ્યો છે કે ભારત બાયોટેકની કોવેક્સિન કોરોનાનાં નવા સ્વરૂપ સામે પણ કારગર પુરવાર થઈ શકે છે. કોવેક્સિન અન્ય ઉપલબ્ધ રસીની તુલનામાં ઓમિક્રોન સામે પ્રભાવી સાબિત થઈ શકે છે. કારણ કે તે નિક્રીય વાયરસની ટેકનિકથી બનાવવામાં આવેલી રસી છે. જે આખા વાયરસને જ નિક્રીય કરે છે. જેથી તે વાયરસનાં નવા રૂપ સામે પણ અરસકારક બની શકે છે.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer