ઓમિક્રોનથી વૈશ્વિક અર્થતંત્રને જોખમ

ઓમિક્રોનથી વૈશ્વિક અર્થતંત્રને જોખમ
કોરોનાનું નવું સ્વરૂપ ગંભીર થશે તો પ્રતિબંધો ફરી લાગુ થતાં માગ ઘટશે
નવી દિલ્હી, તા. 3 : દક્ષિણ આફ્રિકામાં મળેલો ઓમિક્રોન વેરિઅંટ દુનિયાના 33થી વધુ દેશોમાં ફેલાઈ ચૂકયો છે, ત્યારે ઓમિક્રોનની વૈશ્વિક અર્થવ્યવસ્થા પર અસર અંગે જાણકારોના કપાળે ચિંતાની લકીરો ખેંચાઈ છે.  તજજ્ઞોએ જણાવ્યું છે કે, ઓમિક્રોનને અંકુશમાં લેવામાં નિષ્ફળતા જોખમી બની શકે છે. ખાસ કરીને ઓછાં રસીકરણવાળા દેશોમાં આરોગ્ય પ્રણાલીને ભારે નુકસાન થઈ શકે છે. 
`ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલોપમેન્ટ' (આઈસીડી) એ કહ્યું હતું કે, નવું વેરિઅંટ પશ્ચિમી સરકારોને વ્યવસાયો અને ઘરો માટે નવેસરથી તાકીદની નાણાકીય સહાય લાવવા માટે મજબૂર કરી શકે છે. 
ઓમિક્રોન અપેક્ષાથી વધુ ગંભીર થઈ જશે, તો દુનિયાભરની સરકારોને ફરી કડક પ્રતિબંધો લાદવા પડશે.  આઈસીડીના મુખ્ય અર્થશાત્રી લોરેંસ બુડોએ જણાવ્યું હતું કે, પ્રતિબંધો લાગે તો વસ્તુઓ અને સેવાઓની માંગમાં ઘટાડો વિશ્વભરની અર્થવ્યવસ્થાને અસર કરી શકે છે. 
કોરોના સંકટની શરૂઆતમાં 2020માં આર્થિક ગતિવિધિઓ પર અંકુશ લાગ્યા બાદ સર્જાઈ હતી તેવી વિકટ પરિસ્થિતિ સર્જાવાની ભીતિ તેમણે વ્યક્ત કરી હતી. 
રસીકરણમાં દુનિયાના મોટી સંખ્યામાં દેશો નિષ્ફળ રહ્યા છે, ત્યારે આ અભિયાનને વેગ આપવો જ પડશે.
Published on: Sat, 04 Dec 2021

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer