લગનસરાને લાગ્યું ઓમિક્રોનનું ગ્રહણ

લગનસરાને લાગ્યું ઓમિક્રોનનું ગ્રહણ
ધંધામાં 10 ટકાના ઘટાડાની ધારણા
મુંબઈ, તા. 10 : કોવિડ-19ના નવા વેરિયન્ટ ઓમિક્રોન વેરિયન્ટને લીધે ભારતમાં લગ્નસરાનો માહોલ ખોરવાયો છે. 
વેડિંગ પ્લાનર કંપની ઈવેનટાડોર પ્રોડક્શન્સના શીના શેઠે કહ્યું કે, લોકોમાં વાયરસ બાબતે ચિંતા છે. વર્ષ 2020થી જ ભારતીય લગનસરા ઉદ્યોગ મંદીમાં છે. આ વર્ષ પણ મહામારીના પ્રકોપને લીધે બિઝનેસ મંદ રહેવાની અપેક્ષા છે. 
ગિફ્ટિંગ કંપની ફર્ન્સ એન પીટલ્સ (એફએનપી)ના સ્થાપક અને મૅનેજિંગ ડિરેક્ટર વિકાસ ગુટગુટિયાએ કહ્યું કે, વેડિંગ ઉદ્યોગે જાન્યુઆરીમાં ધંધાની તક ગુમાવી છે. કેપીએમજીના રિપોર્ટમાં અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે કે ભારતીય વેડિંગ માર્કેટનું મૂલ્ય 50 અબજ ડૉલર છે. ગત વર્ષનો નવેમ્બર-ડિસેમ્બર સારો રહ્યો હતો અને અમને આશા હતી કે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં સિઝન સારી જશે અને ખોટને સરભર કરી શકાશે. પરંતુ ઓમિક્રોનના લીધે જાન્યુઆરીની તક ધોવાઈ છે. વર્ષ 2021ના છેલ્લા બે મહિનામાં બિઝનેસ કોવિડ પહેલાના સ્તરની સરખામણીના 80 ટકાએ પહોંચ્યો હતો. અમને આશા હતી કે વર્ષ 2022ની લગનસરાની સિઝનમાં બિઝનેસ કોવિડ પહેલાંના સ્તર કરતાં 50 ટકા વધશે પરંતુ હવે અંદાજ છે કે અમારા એકંદર બિઝનેસમાં 10 ટકાનો ઘટાડો થશે. 
વેડિંગ પ્લાનર શેઠે કહ્યું કે, ગ્રાહકો લગ્ન પ્રસંગને રદ કરી રહ્યા છે, તેમ જ કેટલાક પરિવારોએ લગ્ન મુલતવી રાખ્યાં છે. કેન્સલનું પ્રમાણ 60થી 70 ટકા અને મુલતવી રાખવાનું પ્રમાણ 30થી 40 ટકા છે. હાલની પરિસ્થિતિમાં શું નિર્ણય લેવો તે વિશે લોકો વિમાસણમાં છે. 
તેમણે ઉમેર્યું કે, દિલ્હીમાં લગ્નમાં ફક્ત 20 લોકોને મંજૂરી છે, જ્યારે ગુરુગ્રામમાં 100 લોકોને મંજૂરી છે. જો દિલ્હી તેની સીમા બંધ કરશે તો નાગરિકો ગુરુગ્રામ પહોંચી શકશે નહીં. પરિણામે અમે પણ વ્યૂહરચના બનાવી શકતા નથી. 
વૈશ્વિક વેડિંગ પ્લાનિંગ કંપની નોટ વર્લ્ડવાઈડની કંપની વેડિંગવાયર ઈન્ડિયાના ઍસોસિયેટ માર્કેટિંગ ડિરેક્ટર અનમ ઝુબેરે કહ્યું કે, જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં બિઝનેસ થવાની અપેક્ષા ધોવાઈ છે. વર્તમાન પરિસ્થિતિ ફેબ્રુઆરી સુધી આવી જ રહેવાની અપેક્ષા છે. જો લગ્નો મુલતવી થાય તો આગળ જતાં ફરી બિઝનેસ વધશે.
વર્ષ 2022માં 50 મુહૂર્ત છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં 10 તારીખો શુભ હતી, તે પછી મે મહિનામાં 11 દિવસ શુભ છે. તેથી મે મહિનામાં બિઝનેસ સારો રહેવાની ધારણા છે.
Published on: Mon, 10 Jan 2022

© 2022 Saurashtra Trust