બે કંપની ડિરેક્ટરો વિરુદ્ધના બિન-જામીનપાત્ર વૉરન્ટ સામે સ્ટે

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : મુંબઈ હાઈ કોર્ટે સોમવારે બે અૉટોમોબાઈલ કંપનીના ડિરેકટરો અને અન્યો વિરુદ્ધ સેશન્સ કોર્ટે ઇસ્યુ કરેલા બિન-જામીનપાત્ર વૉરન્ટ સામે સ્ટે આપ્યો હતો. કાયદાની સમયમર્યાદામાં ટીડીએસની રકમ જમા કરાવવા ન બદલ 2019માં મેજિસ્ટ્રેટ કોર્ટે આરોપીઓને કસૂરવાર ઠેરવ્યા હતા. ગયા મહિને સેશન્સ કોર્ટે મેજિસ્ટ્રેટના ચૂકાદાને બહાલી આપી હતી. 
સેશન્સ કોર્ટ નીચલી અદાલતના ચૂકાદાને બહાલી આપી અને પ્રત્યેક આરોપી પર પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો અને તેમને ત્રણ મહિનાની જેલની સજા ફરમાવી હતી. 
ઇછીબાન અૉટોમોબાઈલ્સ પ્રાઈવેટ લિમિટેડ અને જીએમએસ મોટર્સ તથા આ બન્ને કંપનીના ડિરેક્ટર જી. એમ. સિંહ અને નિંદ્રાજોગ નામના અન્ય એક ડિરેક્ટરે આ મહિને હાઈ કોર્ટમાં અલગ અલગ ક્રિમિનલ રિવિઝન અરજી દાખલ કરીને સેશન્સ કોર્ટના ચૂકાદા સામે પડકાર ફેક્યો હતો. સેશન્સ કોર્ટે 16 ડિસેમ્બરે ચૂકાદો આપ્યો ત્યારે ત્રણ આરોપી કોર્ટમાં હાજર ન હોવાથી કોર્ટે તેમની સામે બિન-જામીનપાત્ર વૉરન્ટ પણ ઇસ્યુ કર્યા હતા. 
હાઈ કોર્ટે સોમવારે ઇન્કમટેક્સ વિભાગને નોટિસ ઇસ્યુ કરી હતી અને 20 જાન્યુઆરીએ કેસની આગામી સુનાવણી કરવાની જાહેરાત કરી હતી. કોર્ટે બિન-જામીનપાત્ર વૉરન્ટ સામે સ્ટે પણ આપ્યો હતો. 
જી. એમ. સિંહ અને બન્ને અૉટોમોબાઈલ્સ કંપનીએ અરજીમાં એવી દલીલ કરી હતી કે અમને શૉ કોઝ નોટિસ મળી એ પહેલાં જ અમે ટીડીએસની સંપૂર્ણ રકમ વ્યાજ સાથે જમા કરાવી દીધી હતી અને આ હકીકતનો બન્ને નીચલી કોર્ટે નજરઅંદાજ કર્યો છે. આ રકમ અમે સ્વેચ્છાએ જમા કરાવી છે અને નાણાકીય સંકટને કારણે એ જમા કરાવવામાં થોડું મોડું થયું હતું, પણ એનાથી સરકારને કોઈ નુકસાન ગયું નથી. એ સિવાય મુદ્દાની પતાવટ માટે અમે ઇન્કમટેક્સ કમિશનરને અરજી કરેલી અને આ અરજી પર ફેંસલો લેવામાં આવે એ પહેલા કોર્ટમાં કેસ કરાયો હતો. 
ઇન્કમટેક્સે સેશન્સ કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે, કાયદા મુજબ દર આવતા મહિનાની સાત તારીખે ટીડીએસની રકમ જમા કરાવવાનું અનિવાર્ય છે. આ કાયદાથી અમે અજ્ઞાન હતા એવી દલીલ આરોપી કરી શકે નહીં. તેમની સામે જે ખટલો ચલાવાયો છે એ એકદમ બરાબર છે. કોઈ વિવાદ કે ડયૂઝ સેટલ કરવા માટે કરવામાં આવેલી અરજી પેન્ડિગ છે એવું કારણ આપી કોઈ ટીડીએસની રકમ ન ભરે તો એ ચાલે ન શકે. લાગતાવળગતા સામે કાર્યવાહી કરતા ઇન્કમટેક્સ વિભાગને પણ કોઈ અટકાવી ન શકે. 
અૉટોમોબાઈલ્સ કંપનીએ એવી દલીલ કરી હતી કે ઇછીબાનના કેસમાં માર્ચ, 2010માં ટીડીએસ પેટે 7.5 લાખ રૂપિયા કાપવામાં આવ્યા હતા, જ્યારે જીએમએસ કેસમાં 42 લાખ કાપવામાં આવ્યા હતા. આ રકમ અમે સરકારી તિજોરીમાં સમયમર્યાદામાં જમા ન કરાવી હોવાનો અમારી સામે આરોપ છે, પણ આ આરોપ એકદમ અસ્પષ્ટ છે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust