હજ યાત્રા માટે 550 ટ્રેનરોને તાલીમ અપાશે : નકવી

હજ યાત્રા માટે 550 ટ્રેનરોને તાલીમ અપાશે : નકવી
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 10 : કેન્દ્રના લઘુમતિ બાબતોના પ્રધાન મુખ્તાર અબ્બાસ નક્વીએ સોમવારે મુંબઈના હજ હાઉસમાં હજ 2022 માટે બે દિવસના ટ્રેઈનિંગ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. અલગ અલગ રાજ્યોના 550 ટ્રેઈનરો આ કાર્યક્રમમાં હાજરી આપી રહ્યા છે. આ ટ્રેઈનિંગ પોગ્રામ અૉનલાઈન અને પ્રત્યક્ષ રીતે યોજાઈ રહ્યો છે. કોરોનાને ધ્યાનમાં રાખી સ્વચ્છતા અને સ્વાસ્થ્ય પર તાલિમ દરમિયાન ભાર આપવામાં આવશે. હજ દરમિયાન શું કરવું અને શું ન કરવું એની સમજ નિષ્ણાતો આ કાર્યક્રમમાં આપશે. તાલિમ લીધેલા ટ્રેઈનરો દેશભરના હજ જાત્રાળુઓને તાલીમ આપશે. સાઉદી અરેબિયાના કાયદાથી પણ તેમને પરિચિત કરાશે. 
આ અવસરે મુખ્તાર અબ્બાસ નક્વીએ કહ્યું હતું કે કોરોનાના પ્રકોપને કારણે હજ-2022 માટેની અરજી ડિજીટલી મંગાવવામાં આવશે. આમ આખી પ્રક્રિય એકદમ પારદર્શક અને સવલતભરી બની રહેશે. રસીના બન્ને ડૉઝ લેનારની પસંદગી કરાશે. અત્યાર સુધી 51 હજાર અરજી આવી છે અને આમાં મેહરામ વર્ગમાં અરજી કરનાર એક હજાર મહિલાનો પણ સમાવેશ છે. હજ મોબાઈલ ઍપમાં પણ ફેરફારો કરાયા છે. એમાં ઘમા નવા ફિચર્સ ઉમેરવામાં આવ્યા છે. હજ-2022 માટે અરજી કરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી, 2022 છે. 
તેમણે કહ્યું હતું કે આ વખતે હજ રવાના થવા માટે દસ ઍરપૉર્ટ હશે. પહેલા 21 ઍરપૉર્ટ હતા. આ દસ ઍરપૉર્ટમાં અમદાવાદ, બેંગ્લોર, કોચીન, દિલ્હી, ગુવહાટી, હૈદરાબાદ કોલકત્તા, લખનઉ, મુંબઈ અને શ્રીનગરનો સમાવેશ છે. 
તેમણે કહ્યું હતું કે, હજ 2022 અને હજ 2021 માટે પુરુષ વગર એકલી હજ કરવા 3000થી વધુ મહિલાઓએ મેહરમ વગરના વર્ગમાં અરજી કરી છે. તેમને લોટરી સિસ્ટમમાંથી બાકાત રાખવામાં આવશે.
Published on: Tue, 11 Jan 2022

© 2022 Saurashtra Trust