કુલ 5.75 કરોડને અપાશે પ્રિકોશનરી ડૉઝ : એક કરોડ લોકોને મૅસેજથી ત્રીજા ડૉઝની જાણકારી અપાઈ
નવીદિલ્હી,તા.10: દેશમાં આજથી સ્વાસ્થ્યકર્મીઓ, અગ્રિમ હરોળનાં કોરોના વોરિયર્સ અને 60 વર્ષથી વધુ વયનાં વરિષ્ઠ નાગરિકોને પ્રીકોશન ડોઝ (અગમચેતી ડોઝ) કે પછી બૂસ્ટર ડોઝ આપવાનાં અભિયાનનો પણ શુભારંભ કરી દેવામાં આવ્યો છે. કોવિન પોર્ટલમાંથી આજે લાભાર્થીઓને આ ત્રીજા ડોઝ માટે એક કરોડ જેટલા મેસેજ મોકલીને યાદી આપવામાં આવી હતી.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટર ઉપર આની ઘોષણા કરતાં કહ્યું હતું કે, સ્વાસ્થ્યકર્મીઓ, ફ્રન્ટલાઈનર્સને અગ્રતાનાં ધોરણે અધિક રક્ષણ પૂરું પાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2પમી ડિસેમ્બરનાં રોજ આ બૂસ્ટર ડોઝનું એલાન કરવામાં આવ્યું હતું. જો કે તેમણે આને બૂસ્ટર ડોઝને બદલે પ્રીકોશન ડોઝ નામ આપ્યું હતું. દેશમાં કુલ મળીને 5.75 કરોડ લોકોને આ બૂસ્ટર ડોઝ આપવામાં આવનાર છે. જેમાં 1 કરોડ સ્વાસ્થ્યકર્મી, બે કરોડ ફ્રન્ટલાઈન વર્કસ અને 2.75 કરોડ બુઝુર્ગોને વેક્સિન આપવામાં આવશે.
સ્વાસ્થ્ય મંત્રાલયનાં જણાવ્યા પ્રમાણે આ પ્રીકોશન ડોઝ માટે કોઈ નોંધણીની આવશ્યકતા નથી. આનાં માટે પાત્ર લોકો સીધા જ રસી માટે મુલાકાત લઈ શકે છે. તમામ વયસ્કોને બૂસ્ટર ડોઝ આપવા અંગે સરકાર તરફથી હજી સુધી કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી.
Published on: Tue, 11 Jan 2022
આરોગ્યકર્મીઓ, વડીલોને બૂસ્ટર ડૉઝ અભિયાન શરૂ
