અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 10 : મહારાષ્ટ્રના આરોગ્યપ્રધાન રાજેશ ટોપેએ સોમવારે કહ્યું હતું કે, રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ નવી લહેરની અસર ક્યાં સુધી રહેશે એ કહેવું મુશ્કેલ છે, પણ જાન્યુઆરીના અંત સુધી એની અસર વર્તાશે એવો એક અંદાજ છે.
કેન્દ્રના આરોગ્યપ્રધાને બોલાવેલી સમીક્ષા બેઠકમાં ભાગ લીધા બાદ જાલનામાં પત્રકારો સાથે સંવાદ કરતાં તેમણે કહ્યું હતું કે, રાજ્યમાં રોજ 45 હજાર કેસો મળવાની શરૂઆત થઈ ચૂકી છે. કેસોનો ઉચ્ચાંક શું હશે એની કોઈ આગાહી કરી શકાય નહીં. બીજી લહેરમાં રોજ 65 હજાર દરદી પણ મળેલાં. એટલે ત્રીજી લહેરનો ઉચ્ચાંક શું હશે એ કહેવું મુશ્કેલ છે. આ મહિનાના મધ્યમાં કે પછી આખરમાં કેસો પરાકાષ્ઠાએ જશે એવી શક્યતા છે.
તેમણે કહ્યું હતું કે ત્રીજી લહેરના કારણે રાજ્યભરની સ્કૂલો બંધ કરવામાં આવી છે. એટલે વિદ્યાર્થીઓની સંભાળ રાખવાની જવાબદારી તેમના વાલીઓની છે. વાલીઓએ સરકારને સહકાર આપવાની જરૂર છે. બીજી તરફ રાજ્યમાં અનેક રાજકીય પક્ષના નેતાઓ કોરોનાના નિયમોનું પાલન કરતા નથી. નેતાઓએ પણ સહકાર આપવો જોઈએ અને એક મહિના માટે રાજકીય પક્ષોએ તેમના તમામ કાર્યક્રમો રદ કરવા જોઈએ.
Published on: Tue, 11 Jan 2022
જાન્યુઆરીના અંત સુધી ત્રીજી લહેરનો પ્રકોપ રહેશે : ટોપે
