બાંગ્લાદેશ સામે ન્યૂ ઝીલૅન્ડનો એક દાવ અને 117 રને વિજય

બાંગ્લાદેશ સામે ન્યૂ ઝીલૅન્ડનો એક દાવ અને 117 રને વિજય
બે મૅચની શ્રેણી 1-1થી ડ્રો
ક્રાઇસ્ટચર્ચ, તા.11: વિકેટકીપર લિટન દાસની સાહસિક સદી છતાં બાંગલાદેશને બીજા ટેસ્ટમાં ન્યુઝિલેન્ડના હાથે એક દાવ અને 117 રને કારમો પરાજય સહન કરવો પડયો છે. આ બે મેચની શ્રેણી 1-1ની બરાબરી પર ડ્રો રહી છે. ગ્લોવઝ પર દડો લાગવાથી લિટન દાસનો એક ઇજાગ્રસ્ત હતો, આમ છતાં તેણે કિવિઝ બોલરોની શોર્ટ પીચ બોલિંગ સામે લડાયક બેટિંગ કરીને 106 દડામાં તેની બીજી ટેસ્ટ સદી કરી હતી. તે 102 રન કરીને આઉટ થયો હતો. આજે મેચના ત્રીજા દિવસે બાંગલાદેશની ટીમ તેના બીજા દાવમાં 278 રનમાં ઓલઆઉટ થઈ હતી. ન્યુઝિલેન્ડે તેનો પહેલો દાવ 6 વિકેટે પ21 રને ડિક્લેર કર્યો હતો. આ પછી પ્રવાસી ટીમનો પહેલા દાવમાં 126 રનમાં ધબડકો થયો હતો. 
ન્યુઝિલેન્ડ તરફથી બીજા દાવમાં કાઇલ જેમિસને 4 અને નિલ વેગનારે 3 વિકેટ લીધી હતી જ્યારે આખરી ટેસ્ટ રમી રહેલ રોસ ટેલરે બાંગલાદેશની આખરી વિકેટ લીધી હતી. બાંગલાદેશ તરફથી દાસની સદી ઉપરાંત સુકાની મોમિનૂલ હકે 37 અને નૂરુસ હસને 36 રન કર્યા હતા. પહેલા ટેસ્ટમાં બાંગલાદેશનો 8 વિકેટે ઐતિહાસિક વિજય થયો હતો.
બૅટ્સમૅન ટેલરે કારકિર્દીનો અંત વિકેટ ઝડપીને કર્યો
કિવિઝ બેટ્સમેન રોસ ટેલરની ટેસ્ટ કેરિયરનો અંત શાનદાર રીતે થયો હતો. તેણે આજે બાંગલાદેશની આખરી વિકેટ લીધી હતી. ટેલર આમ તો તેની બેટિંગ માટે જાણીતો છે. આ પહેલા તેણે પોતાની ટેસ્ટ કેરિયરમાં ફક્ત 16 ઓવર ફેંકી હતી અને 2 વિકેટ લીધી હતી. આજે તેણે ટેસ્ટ કેરિયરના આખરી મેચના આખરી દડે વિકેટ ઝડપીને મહાન રિચર્ડ હેડલીની બરાબરી કરી છે. હેડલીએ 1990માં ઇંગ્લેન્ડ સામે તેના આખરી મેચમાં આખરી દડા પર ડી. મેલ્કમને આઉટ કર્યો હતો.
Published on: Wed, 12 Jan 2022

© 2022 Saurashtra Trust