અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 11 : મલાડ પોલીસના સાઈબર સેલે એક બનાવી કાસ્ટિંગ ડાયરેકટરની એક અભિનેત્રી પાસેથી શરીર સુખ માગવા બદલ ધરપકડ કરી છે. પોલીસે કહ્યું હતું કે આરોપી ઓમપ્રકાશ તિવારી માત્ર 24 વર્ષનો છે અને ફરિયાદી અભિનેત્રી કોલકત્તાની છે. તેણે અમુક બંગાળી ફિલ્મોમાં કામ કર્યું હોવાનું કહેવાય છે. આ આરોપીએ અભિનેત્રીને શરીર સુખના બદલામાં વૅબ સીરિઝમાં કામ અપાવવાની લાલચ આપી હતી.
પોલીસે કહ્યું હતું કે આરોપીએ અગાઉ એક પ્રોડક્શન હાઉસમાં નોકરી કરી હોવાથી કલાકારોની કાસ્ટિંગ કેમ થાય છે, એના પ્રોસેસની ખબર હતી. તેણે સોશિયલ મીડિયા પર એવી પણ ખોટી પોસ્ટ મુકી હતી કે મુંબઈમાં તેનું પોતાનું એક પ્રોડકશન હાઉસ છે. મલાડ પોલીસના સાઈબર સેલે તિવારીની શનિવારે રાત્રે ટીટવાલામાંથી ધરપકડ કરી હતી.
ફરિયાદીએ પોલીસને કહ્યું હતું કે તિવારીએ મારી પાસેથી શરીર સુખ નહીં મળે તો મારી અંગત તસવીરો સોશિયલ મીડિયામાં જાહેર કરવાની પણ ધમકી આપી હતી. મારી તિવારી સાથે ઓળખ સોશિયલ મીડિયા પર થઈ હતી અને તેણે મને મારા અંગત ફોટા મોકલવાનું કહ્યું હતું. મે ફોટા મોકલ્યા એ બાદ તેણે મને શરીર સુખ નહી મળે તો આ ફોટા જાહેર કરવાની અૉનલાઈન ધમકી આપી હતી.
Published on: Wed, 12 Jan 2022