ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો પાંચ મહિનાની ટોચે

ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો પાંચ મહિનાની ટોચે
નવેમ્બરમાં આઈઆઈપી વૃદ્ધિ 1.4 ટકા
મુંબઈ, તા. 12 : ટેલિકમ્યુનિકેશન્સના ચાર્જિસમાં વધારો તેમ જ અનાજના ભાવ વધતા દેશમાં ડિસેમ્બરમાં રિટેલ ફુગાવો છ મહિનાની ટોચે 5.59 ટકા થયો છે. સૂચિત ફુગાવો રિઝર્વ બૅન્ક અૉફ ઇન્ડિયા (આરબીઆઈ)ની છ ટકાની ટોચની મર્યાદા નજીક પહોંચ્યો છે.  
કન્ઝ્યુમર પ્રાઈસ ઇન્ડેક્સ (સીપીઆઈ) આધારિત ફુગાવો નવેમ્બર, 2021માં 4.91 ટકા અને ડિસેમ્બર, 2020માં 4.59 ટકા હતો. નેશનલ સ્ટેટિસ્ટિકલ અૉફિસ (એનએસઓ)એ જાહેર કરેલા આંકડા અનુસાર ડિસેમ્બરમાં ખાદ્ય પદાર્થોનો ફુગાવો વધીને 4.05 ટકા થયો હતો, જે નવેમ્બરમાં 1.87 ટકા હતો.  
ગયા મહિને જ આરબીઆઈએ રેપો રેટ ચાર ટકા યથાવત્ રાખ્યો હતો. છેલ્લી નવી માટિંગથી આરબીઆઈએ નાણાકીય નીતિમાં કોઈ ફેરફાર કર્યો નથી. બીજી બાજુ ફેક્ટરી ઉત્પાદનમાં ઘટાડો થતા નવેમ્બરમાં ઇન્ડેક્સ અૉફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઈઆઈપી) ઘટીને આઠ મહિનાના તળિયે 1.4 ટકા નોંધાયો હતો. અૉક્ટોબરમાં ઔદ્યોગિક ઉત્પાદન 3.2 ટકા વધ્યું હતું, જ્યારે નવેમ્બર, 2020માં આ ઇન્ડેક્સ 1.9 ટકા ઘટયો હતો.  
નવેમ્બરમાં માઈનિંગ કામકાજ પાંચ ટકા અને ઊર્જા ઉત્પાદન 2.1 ટકા વધ્યું હતું. જ્યારે આ નાણાં વર્ષે એપ્રિલથી નવેમ્બર દરમિયાન આઈઆઈપી 17.4 ટકા વધ્યો છે, જે ગત વર્ષના સમાનગાળામાં 15.3 ટકા ઘટયો હતો.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust