ત્રણ દિવસ બાદ કોરોનાના કેસોમાં ફરી ઉછાળો

ત્રણ દિવસ બાદ કોરોનાના કેસોમાં ફરી ઉછાળો
નવા 1.94 લાખ દર્દી, ઍક્ટિવ કેસ 9.55 લાખને પાર
નવી દિલ્હી, તા. 12 : ભારતમાં સંક્રમણ સતત વધતાં ચિંતિત દેશના આરોગ્ય મંત્રાલયના `ઓક્સિજન એલર્ટ' વચ્ચે બુધવારે ગઇકાલ મંગળવારની તુલનાએ 15.8 ટકાના ઉછાળા સાથે 1.94 લાખથી વધુ દર્દી ઉમેરાયા હતા. ઓમિક્રોનના આજે 407 નવા દર્દી સામે આવતાં નવા વોરિયંટ સંક્રમિતોની સંખ્યા 4868 થઇ ગઇ છે, જેમાં 1805 સાજા થઇ ગયા છે. છેલ્લા 11 દિવસમાં દૈનિક કેસોમાં 600 ટકા વધારો આવ્યો છે.
દેશમાં 24 કલાક દરમ્યાન વધુ 442 દર્દીને કોરોનાએ કાળના મુખમાં ધકેલી દેતાં કુલ્લ 4,84,655 સંક્રમિતો જીવ ખોઇ ચૂક્યા છે.
સંક્રમણ વધવાથી ઉચાટ વચ્ચે કેરળ જેવા રાજ્યોને બાદ કરતાં દૈનિક મરણાંક ઓછો રહેવાથી કોરોનાના કારણે મૃત્યુનો દર ઘટીને 1.34 ટકા રહી ગયો છે.
આજે એક દિવસમાં 1.33 લાખથી વધુ 1,33,873 કેસના જંગી ઉછાળા બાદ આજની તારીખે સારવાર લેતા દર્દીઓનો આંક 9.55 લાખને આંબી 9,55,319 પર પહોંચી ગયો છે, જે છેલ્લા 211 દિવસમાં સૌથી વધારે છે. સક્રિય કેસોનું પ્રમાણ 2.65 ટકા છે.
ભારતમાં અત્યારે ડેલ્ટાના કુલ્લ સંક્રમિતોની સંખ્યા 3.60 કરોડથી વધુ 3,60,70,510 થઇ ગઇ છે, જેની સામે 3.46 કરોડથી વધુ 3,46,30,536 દર્દી સાજા થઇ ચૂક્યા છે.
સાજા થયેલા દર્દીઓનો દર એટલે કે રિક્વરી રેટ ઘટીને 96.01 ટકા થઇ ગયો છે. સંક્રમણનો દૈનિક દર મોટા ઉછાળા સાથે 11.05 ટકા પર પહોંચી ગયો છે.
દેશમાં અત્યાર સુધી 153.80 કરોડ ડોઝ આપી નાગરિકોને સંક્રમણ સામે રસીનું સુરક્ષા કવચ આપી દેવાયું છે.
ઓમિક્રોનના કુલ્લ 4868 દર્દીમાંથી 1281 દર્દી સાથે મહારાષ્ટ્ર મોખરે છે, તો રાજસ્થાન 645, દિલ્હી 546, કર્ણાટકમાં 479, કેરળમાં 350 દર્દી છે.
દેશમાં સૌથી વધુ 32.18 ટકા સંક્રમિત દર બંગાળમાં છે. ત્યારબાદ દિલ્હી 23.1 ટકા, મહારાષ્ટ્ર 22.39 ટકા છે.
Published on: Thu, 13 Jan 2022

© 2022 Saurashtra Trust