અપના દળ, નિષાદ સાથે બેઠકોની વહેંચણીનું એલાન આજે
લખનઉ, તા.13: ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા શાસક ભાજપમાં મચેલી ભાગંભાગ વચ્ચે પાર્ટી હાઈ એલર્ટ પર છે. મકરસંક્રાતિ નિમિત્તે ભાજપ દ્વારા ગઠબંધન અંગે કોઈ મોટું એલાન કરવામાં આવી શકે છે.
ચૂંટણીના બરાબર પહેલા બે મંત્રી સહિત 7 ધારાસભ્યએ પાર્ટી સાથે છેડો ફાડતા ભાજપમાં હડકંપ મચી ગયો છે. અપના દળ અને નિષાદ પાર્ટી આડી ફાટે તે પહેલા ભાજપ નેતૃત્વએ ડેમેજ કંટ્રોલ હાથ ધર્યું છે. એવી ચર્ચા છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ખુદ ટિકિટોની વહેંચણી મામલે અપના દળનાં અનુપ્રિયા પટેલ અને નિષાદ પાર્ટીના સંજય નિષાદને મળી વાત કરી છે. ભાજપનું આ બન્ને પાર્ટી સાથેનું ગઠબંધન અને ટિકિટોની વહેંચણી અંગે 14 જાન્યુઆરીએ એલાન કરવામાં આવી શકે છે. ભાજપનાં સૂત્રો અનુસાર નિષાદ પાર્ટીએ 15થી 18 બેઠક લડવા માગી હતી જેની સામે 15 બેઠકો પર સહમતી સધાઈ શકે છે. એવું કહેવાય છે કે અપના દળ પણ 15 બેઠક સિવાય નમતું જોખે તેમ નથી. એવી ચર્ચા છે કે અનુપ્રિયા પટેલે શરૂઆતમાં 30થી 35 બેઠક માગી હતી. એક પછી એક નેતાઓ ભાજપ છોડી રહ્યા હોવાથી પાર્ટી નેતૃત્વ દબાણ હેઠળ છે અને સહયોગીની માગ સામે નમતું જોખવું પડી રહ્યું છે.
Published on: Fri, 14 Jan 2022