એકપણ પક્ષે મુખ્ય પ્રધાનપદના ઉમેદવારની ઘોષણા કરી નથી
આનંદ કે. વ્યાસ તરફથી
નવી દિલ્હી, તા. 13 : પંજાબમાં આગામી વિધાનસભાની ચૂંટણી માટે કોઈપણ રાજકીય પક્ષે મુખ્ય પ્રધાન પદના પોતાના ઉમેદવારની જાહેરાત નહીં કરતાં પંજાબ `ફેસલેસ ઈલેક્શન' તરફ આગળ વધી રહ્યું હોવાનું લાગી રહ્યું છે. રાજકીય પક્ષો ચૂંટણી લડી રહ્યા છે પરંતુ, તેમનો મુખ્ય પ્રધાન કોણ હશે એ અંગે જાહેરાત નહીં કરી રહ્યા હોવાથી એક રીતે આ ચૂંટણી અનોખી બની રહેશે.
આમ આદમી પાર્ટી પંજાબમાં પોતાના મુખ્ય પ્રધાનપદના ઉમેદવારનું નામ જાહેર કરે એની તમામ પક્ષો ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યા હતા. પરંતુ પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ચંડીગઢમાં મુખ્ય પ્રધાન પદના ઉમેદવાર અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું હતું અને મુખ્ય પ્રધાન નક્કી કરવા માટે લોકોના મતની માગણી કરી હતી. તેમણે કહ્યું હતું કે પંજાબના લોકો તેમને ફોન, મેસેજ અથવા વૉટ્સઍપ કરીને પાર્ટીમાંથી તેમની પસંદગીના મુખ્ય પ્રધાન અંગે જણાવી શકે છે. તેમણે જણાવ્યું હતું કે અમે આ બાબત લોકો પર છોડવા માગીએ છીએ. 17 જાન્યુઆરી સુધી તમારી પસંદગી જણાવી દો. લોકોએ ચૂંટેલો ઉમેદવાર મુખ્ય પ્રધાનનો ચહેરો હશે.
કેજરીવાલે પોતાને પંજાબના વિવાદથી પર કરતાં જણાવ્યું હતું કે હું મુખ્ય પ્રધાનપદના ચહેરા માટે ભગવંત સિંહ માનનું નામ સૂચવવા માગતો હતો પરંતુ તેમણે કહ્યું હતું કે આપણે લોકોનો અભિપ્રાય લઈએ. જો કે લોકોના મતનો વિચાર ભગવંત માનના ટેકેદારોને રૂચે એવો લાગતો નથી. તેઓ મુખ્ય પ્રધાન અંગે કેજરીવાલ તરફથી ઔપચારિક જાહેરાતની આશા કરી રહ્યા હતા. કૉંગ્રેસે પણ મુખ્ય પ્રધાન પદ માટે પોતાના ઉમેદવાર અંગે સસ્પેન્સ જાળવી રાખ્યું છે. કૉંગ્રેસના પ્રદેશાધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્ય પ્રધાન ચરણજિત સિંહ ચન્ની બંને, પાર્ટી હાઈ કમાન્ડને મુખ્ય પ્રધાન પદના ઉમેદવારની જાહેરાત કરવાનું કહી રહ્યા છે. પરંતુ કૉંગ્રેસ હાઈકમાન્ડની સ્થિતિ ત્રિશંકુ જેવી છે કારણ કે તેઓ ચરણજિત સિંહ ચન્નીને કોરાણે મૂકવાનું જોખમ ઉઠાવી શકે નહીં.
Published on: Fri, 14 Jan 2022