સેલ્ફ ટેસ્ટિંગ કિટ્સના વેચાણ પર નજર રાખવા કલેક્ટરોને મહારાષ્ટ્ર સરકારની તાકીદ

મુંબઈ, તા. 13  (પીટીઆઈ) : લોકો દ્વારા કોરોના વાયરસના નિદાન માટે સેલ્ફ ટેસ્ટિંગ કિટ્સનો ઉપયોગ કરવામાં આવે છે, પરંતુ પૉઝિટિવ આવ્યા બાદ પણ લોકો તેની નોંધણી કરાવતા નથી એટલે આ બાબતથી ચિંતિત થઈને મહારાષ્ટ્ર સરકારે આવી કિટ્સના વેચાણ પર નિગરાની રાખવાની અને પૉઝિટિવ આવેલા લોકો તેની નોંધણી કરાવે તેની ખાતરી કરવાની જિલ્લા અને સુધરાઈના સત્તાવાળાઓને લેખિતમાં સૂચના આપી છે.
રાજ્યના જાહેર આરોગ્ય વિભાગના અતિરિક્ત સચિવ ડૉ. પ્રદીપ વ્યાસે પત્ર પાઠવીને તમામ મ્યુનિસિપલ અને ડિવિઝનલ કમિશનરો, જિલ્લા કલેક્ટરો અને જિલ્લા પરિષદના ચીફ એક્ઝિક્યુટિવ અધિકારીઓને આદેશ આપ્યો છે.
સેલ્ફ ટેસ્ટિંગ કિટ્સ લેવા આવતા ગ્રાહકોને કેમિસ્ટો તેમના રિઝલ્ટ અંગે સત્તાવાળાઓને જણાવે એ માટે ફૂડ ઍન્ડ ડ્રગ્સ એડ્મિનિસ્ટ્રેશન પણ ધ્યાન આપે એવું આ પત્રમાં જણાવવામાં આવ્યું હતું. 
``એવી ધારણા રખાય છે કે, રેપીટ એન્ટિજન ટેસ્ટ કે હોમ ટેસ્ટ કિટ્સ દ્વારા કરાતી ટેસ્ટમાં પૉઝિટિવ આવતા તમામ દરદીઓ તેની જાણ સત્તાવાળાઓને કરે. પરંતુ એવા ઘણા લોકો છે જે પૉઝિટિવ આવ્યા પછી પણ સત્તાવાળાઓને જાણ કરતા નથી અને ઘરે આઈસોલેશનમાં રહે છે,'' એમ તેમણે આ પત્રમાં જણાવ્યું હતું.
લોકોએ પૉઝિટિવ ટેસ્ટ રિઝલ્ટની જિલ્લા કે સુધરાઈ સત્તાવાળાઓને જાણ કરવી જોઈએ. જેથી તેમના આરોગ્ય પર નિગરાની રાખી શકાય, એમ તેમણે આ પત્રમાં વધુમાં ઉમેર્યું હતું.
રેપીડ એન્ટિજન ટેસ્ટમાં સામાન્ય રીતે ડેલ્ટા કે ઓમિક્રોનના સંક્રમણને અલગ તારવી શકાતો નથી. એટલે હોમ આઈસોલેશનમાંના ઘણાં દરદીઓને (ખાસ કરીને ડેલ્ટા સ્ટ્રેઇનના સંક્રમણનો ભોગ બનેલા) હૉસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડી શકે છે. જો આવું થાય તો અચાનક આરોગ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બોજ પડી શકે છે, એમ ડૉ. વ્યાસે આ પત્રમાં જણાવ્યું હતું.
આવી કિટ્સ ખરીદતા તમામ ગ્રાહકોનો રેકોર્ડ રાખવા પુણેના કેમિસ્ટોને આદેશ આપતું નોટિફિકેશન આ સૂચના બાદ ફીડીઓના પુણે ડિવિઝને બહાર પાડયું છે. `આવી કિટ્સની વિગતો જે વ્યક્તિ આ કિટ ખરીદે તેનું નામ, ફોન નંબર અને સરનામું કેમિસ્ટોએ પોતાની પાસે રાખવું જોઈએ. આ તમામ રેકોર્ડની ચકાસણી ડ્રગ ઇન્સ્પેક્ટરો દ્વારા કરવામાં આવશે,' એમ એફડીઓ નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું હતું.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust