યુપીમાં ભાજપના નેતાઓના રાજીનામા વગરનો દિવસ જતો નથી : પવાર

યુપીમાં ભાજપના નેતાઓના રાજીનામા વગરનો દિવસ જતો નથી : પવાર
મુંબઈ, તા. 13 (પીટીઆઈ) : રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના ચીફ શરદ પવારે ગુરુવારે કહ્યું હતું કે પંદર દિવસ પહેલા ભાજપી નેતાઓ ઉત્તર પ્રદેશમાં સત્તા પર પાછા આવવાની વાતો કરતા હતા, પણ આજે એવું થયું છે કે ઉત્તર પ્રદેશ ભાજપમાંથી નેતાઓના રાજીનામા વગરનો દિવસ કોરો જતો નથી. 
ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે છેલ્લા ત્રણ દિવસથી ભાજપમાંથી પ્રધાનો અને વિધાનસભ્યોના ઉપરાઉપરી રાજીનામા પડી રહ્યા છે. અત્યારે સુધી ત્રણ પ્રધાનો સહિત આઠ વિધાનસભ્યોએ ભાજપમાંથી રાજીનામા આપ્યા છે. 
શરદ પવારે કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની ભાજપી સરકારમાના કેબિનેટ પ્રધાનો પણ પક્ષ છોડી રહ્યા છે. રાજ્ય અને જિલ્લા સ્તરે ભાજપને છોડવાનો સીલસીલો શરૂ છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પરાજય ચાખવો પડે એની ગણતરી શરૂ થઈ ગઈ છે. ભાજપની વિચારસરણી સાવ અલગ છે. સામાન્ય લોકોના સંપ સામે ટકી શકવાની આવડત એનામાં નથી. રાજકારણમાં ચડતી-પડતી થયા કરે અને ક્યારેક ચડતી માણસને ઉચ્ચ સ્થાને લઈ જઈ શકે છે. જોકે સામાન્ય માણસે એકવાર ઉચ્ચ સ્થાને પહોંચેલી વ્યક્તિને જમીન બતાડવાનું નક્કી કર્યું તો સામાન્ય લોકોના સંપનો એ વ્યક્તિ સામનો કરી શકશે નહીં. આ સપ્તાહની શરૂઆતમાં પવારે કહ્યું હતું કે યુપીમાં ભાજપના 13 વિધાનસભ્યો  સમાજવાદી પાર્ટીમાં જોડાશે. છેલ્લાં ત્રણ દિવસમાં યુપીમા ભાજપમાંથી રાજીનામાં આપનાર નેતાઓમાં ઓબીસી નેતા દારા સિંહ ચૌવ્હાણ, સ્વામિ પ્રસાદ મૌર્ય અને ધરમ સિંહ સૈનીનો સમાવેશ છે. ગોવામાં પણ ભાજપમાં રાજીનામા પડ્યા છે. ત્યાં એક પ્રધાન સહિત બે વિધાનસભ્યોએ ભાજપને તિલાંજાલિ આપી છે.
Published on: Fri, 14 Jan 2022

© 2022 Saurashtra Trust