દક્ષિણ આફ્રિકામાં શ્રેણી વિજયનું સપનું ફરી રોળાયુ : ત્રીજી ટૅસ્ટમાં ટીમ ઇન્ડિયાનો સાત વિકેટે પરાજય

દક્ષિણ આફ્રિકામાં શ્રેણી વિજયનું સપનું ફરી રોળાયુ : ત્રીજી ટૅસ્ટમાં ટીમ ઇન્ડિયાનો સાત વિકેટે પરાજય
શ્રેણીમાં 1-0થી આગળ રહ્યા બાદ 2-1થી ભારતનો પરાજય: કિગન પીટરસન મૅન અૉફ ધ મૅચ અને મૅન અૉફ ધ સિરીઝ : 212 રનના લક્ષ્યાંકને યજમાનોએ આસાનીથી હાંસલ કર્યો 

કેપટાઉન, તા. 14 (પીટીઆઈ) : સંક્રામતિના તબક્કામાંથી પસાર થઈ રહેલી દક્ષિણ આફ્રિકાની ટીમે મકરસંક્રાંતિના દિવસે અનેક સ્ટાર્સ ધરાવતી ટીમ ઇન્ડિયાને ત્રીજી ટેસ્ટમાં અહીં ટૅસ્ટ મૅચના ચોથા દિવસે સાત વિકેટે પરાજય આપી ત્રણ મૅચની ટૅસ્ટ શ્રેણીમાં 2-1થી વિજય મેળવ્યો હતો. 212 રનના લક્ષ્યાંકમાંથી બે વિકેટે 101 રન તો ત્રીજા દિવસના અંતે જ યજમાની ટીમે કરી લીધા હતા. ચોથા દિવસે એકમાત્ર કિગન પીટરસનની વિકેટ જ ભારત લઈ શક્યું હતું. આ મેદાન પર માત્ર ચોથીવાર કોઈ ટીમે 200થી વધુ રનનો ટાર્ગેટ સફળતાપૂર્વક ચૅઝ કર્યો હતો.   

ટીમ ઇન્ડિયા આ શ્રેણી જીતવા માટે ફેવરિટ હતી. પણ આખી શ્રેણીમાં એકાદ-બે બૅટ્સમેન સિવાય મિડલ અૉર્ડર અને ઓપનર્સના ખરાબ પ્રદર્શનના કારણે વિરાટ સેના શ્રેણી વિજયથી વંચિત રહી ગઈ હતી. 1992માં ભારતીય ટીમ પહેલીવાર દક્ષિણ આફ્રિકા પ્રવાસ કર્યો હતો, છેક ત્યારથી એટલે કે ત્રણ દાયકામાં ભારતીય ટીમ આ ભૂમિ પર એક પણ શ્રેણી જીતી શકી નથી. આ શ્રેણીની પહેલી જ મૅચમાં વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ આસાનીથી સિરિઝ કબજે કરશે એવું લાગતું હતું. પણ છેલ્લી બે મૅચોમાં મહેમાનો બધી રીતે વામણા પુરવાર થયા હતા. આ બંને મૅચોમાં અનેકવાર ટીમ ઇન્ડિયાનો હાથ ઉપર હતો, પણ જીત અને ટીમ ઇન્ડિયા વચ્ચે હોઠ અને પ્યાલા જેટલું અંતર રહી ગયું હતું.  

બે વિકેટે 101 રનના સ્કૉર પર દિવસની શરૂઆત કરતા દક્ષિણ આફ્રિકાએ 63.3 અૉવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. યજમાનો તરફથી, કિગન પીટરસનના 82, રેસ્સી વાન ડેર અણનમ 41 તથા ટેમ્બા બાવુમાના 32 નોટઆઉટના યોગદાન સૌથી મહત્વના હતા. ચોથા દિવસે પીટરસનને શાર્દુલ ઠાકુરે બૉલ્ડ કર્યો હતો, જે આજના દિવસમાં પડેલી એકમાત્ર વિકેટ હતી.    

દાવની 37મી ઓવર દરમિયાન ફરી એકવાર ડીઆરએસ મુદ્દે વિરાટ અને અમ્પાયર સામસામા આવી ગયા હતા. આ ઓવરમાં મોહમ્મદ શમીએ વાન ડેર ડૂસેન વિરુદ્ધ કોટ બિહાઈન્ડની અપીલ કરી હતી. જોકે, અમ્પાયરે તેને નોટઆઉટ જાહેર કરી દેતા વિરાટે ડીઆરએસ લીધો હતો. રિપ્લેમાં સ્પષ્ટ જોવા મળ્યું હતું કે, બૅટ જમીન સાથે ટકરાયું ત્યારે જ બોલ પણ તેની ધાર પાસેથી પસાર થયો હતો. જેથી થર્ડ અમ્પાયરે પુરાવાના અભાવે બૅટ્સમેનના પક્ષમાં નિર્ણય આપ્યો હતો. આ નિર્ણય પછી ફરીથી અમ્પાયર અને વિરાટ વચ્ચે ચર્ચા થઈ હતી. 

પહેલાં દાવમાં 72 અને બીજા દાવમાં 82 રન કરનાર પીટરસનને મેન અૉફ ધ મૅચ જાહેર કરો હતો. તો, શ્રેણીમાં સૌથી વધુ કુલ 276 રન પણ તેણે જ કર્યા હોવાથી તેને મેન અૉફ ધ સિરીઝ પણ જાહેર કરાયો હતો. ભારત વતી કે.એલ. રાહુલે સૌથી વધુ 235 રન કર્યા હતા. તો બાલિંગમાં સૌથી વધુ 20 વિકેટો દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડાએ લીધી હતી. બીજા અને ત્રીજા ક્રમે માર્કો જાનસેન (19 વિકેટ) અને લુંગી એન્ગિડી (15 વિકેટ) હતા. ભારત માટે સૌથી સફળ બોલર અનુક્રમે મોહમ્મદ સામી, શાર્દુલ ઠાકુર અને જસપ્રીત બુમરાહ હતા, જેમણે અનુક્રમે 14, 12 અને 12 વિકેટો ખેરવી હતી.

Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust