હેડની સદીથી અૉસ્ટ્રેલિયાના 241/6

હેડની સદીથી અૉસ્ટ્રેલિયાના 241/6
એશિઝની પાંચમી ટેસ્ટ

હોબાર્ટ, તા.14 (પીટીઆઇ) : ટ્રેવિસ હેડની સદી અને કેમરન ગ્રીનની અર્ધસદીના દમ પર અૉસ્ટ્રેલિયાએ હોબાર્ટમાં ચાલી રહેલી એશિઝ સિરીઝની પાંચમી અને અંતિમ ટેસ્ટ મેચના પહેલા દિવસે છ વિકેટે 241 રન બનાવ્યા હતા. વરસાદને કારણે દિવસની રમત જલ્દી આટોપી લેવાઇ હતી. પહેલા દિવસે એલેકસ કૈરી દસ રને અણનમ તો મિચેલ સ્ટાર્ક પોતાનું ખાતું બીજા દિવસે ખોલશે. કૈમરન ગ્રીન જ્યારે આઉટ થયો ત્યારે અૉસ્ટ્રેલિયાના 236 રન હતા. ગ્રીનનો કેચ જૈક ક્રાઉલેએ પકડયો હતો અને અૉસ્ટ્રેલિયાને છઠ્ઠો ઝટકો આપ્યો હતો. ગ્રીન 109 બોલમાં 74 રન બનાવીને આઉટ થયો હતો.

ટ્રેવિસ હેડે અૉસ્ટ્રેલિયાની બેટિંગ દરમિયાન 49મી ઓવરમાંના ચોથા બોલે બે રન લઇને પોતાની સદી પૂર્ણ કરી હતી. જોકે, તે ઝાઝો સમય ક્રિસ પર ટકી શકયો નહોતો. વોકસની બીજી જ બોલે હેડનો કેચ રોબિન્સને પકડીને અૉસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો આપ્યો હતો. હેડ 111 બોલમાં 101 રન બનાવીને આઉટ થયો હતો. 

મહેમાન ઇંગ્લેન્ડે ડિનર બ્રેક સુધી અૉસ્ટ્રેલિયાની પહેલી બેટિંગમાં 85 રનમાં ચાર વિકેટ લઇ લીધી હતી. મેઝબાન ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી, પરંતુ હેડની સદીને પગલે અૉસ્ટ્રેલિયાના 241 રને છ વિકેટ હતી. અૉસ્ટ્રેલિયાએ 12 રનમાં વોર્નર, ખ્વાજા અને સ્ટીવ સ્મિથની વિકેટ ગુમાવી દીધી હતી. ખ્વાજાએ છ રન બનાવ્યા હતા જ્યારે સ્મિથ શૂન્ય રને પેવેલિયન ભેગો થયો હતો.

માર્નસ લાબુશેનને બ્રોડે 44 રને બોલ્ડ આઉટ કર્યો હતો. સન્માનની લડાઇમાં ઇગ્લેન્ડ પાંચ નવા ખિલાડીઓ સાથે ઉતરી છે. બર્ન્સ, પોપ, બિલિંગ્સ, રોબિન્સન, વોકસને આ વખતે રમવાની તક મળી છે. હોબાર્ટમાં રમાનાર મેચ ડે-નાઇટ છે. ખરાબ હવામાનને પગલે મેચ મોડેથી શરૂ થઇ હતી.  

Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust