બીલ્ડર પાસેથી રૂા. બે કરોડની ખંડણી માંગનારની બેંગ્લુરુમાંથી ઝડપાયો

મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : અહીંના બીલ્ડર પાસેથી રૂપિયા બે કરોડની ખંડણી માંગવાનો પ્રયાસ કરનારા શખસની બેંગ્લુરુ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. બુધવારે મલાડ પોલીસે આરોપી મહેશ સંજીવ પુજારીની બેંગ્લોર ખાતેથી ધરપકડ કરી હતી અને ગુરુવારે તેને મુંબઈ લાવવામાં આવ્યો હતો, એમ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. પુજારીએ મે મહિનામાં મોબાઈલ ફોન ઍપથી બીલ્ડરને કોલ કર્યો હતો અને તે આંતરરાષ્ટ્રીય નંબર પરથી કરવામાં આવ્યો હતો. તેણે બીલ્ડર પાસેથી રૂપિયા બે કરોડની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બીલ્ડરને આરોપી તરફથી વારંવાર ફોન આવતા તેણે પોલીસમાં ફરિયાદ કરી હતી અને ડિસેમ્બર, 2021માં ખંડણીનો કેસ નોંધવામાં આવ્યો હતો.
આરોપી ધમકી આપવા માટે કોલિંગ ઍપનો ઉપયોગ કરતો હોવાથી મુંબઈ પોલીસના એન્ટી એક્ષર્ટોશન સેસે પણ આ કેસની તપાસ હાથ ધરી હતી. પોલીસે સાઈબર સેલની ટેક્નિકલ મદદ માગી હતી અને આરોપી બેંગ્લુરુનો હોવાનું શોધી કાઢ્યું હતું. ત્યારબાદ મલાડ પોલીસની એક ટીમને બેંગ્લુરુ મોકલવામાં આવી હતી. જ્યાં તેણે પુજારીની ધરપકડ કરી હતી. જોકે, આરોપી બેકાર હતો. પરંતુ તેની પાસે કૉમ્પ્યુટરનું ટેક્નિકલ જ્ઞાન હતું. એમ મલાડ પોલીસના વરિષ્ઠ ઇન્સ્પેક્ટર ધનંજય લિગાડેએ જણાવવ્યું હતું. પુજારીને કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. જેણે તેને 17 જાન્યુઆરી સુધી રિમાન્ડ પર લેવાનો આદેશ આપ્યો હતો.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust