પાલિકાના કામની પ્રશંસા છેક ન્યૂયૉર્કમાં અને સુપ્રીમ કોર્ટ દ્વારા થઈ છે : ઉદ્ધવ

વડા પ્રધાનની બેઠકમાં ગેરહાજરી બાદ પાલિકાના કાર્યક્રમમાં હાજરીની ટીકા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે કોરોનાની પરિસ્થિતિ અંગે યોજેલી બેઠકમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે હાજર રહ્યા નહોતા. જોકે, આજે મુંબઈ પાલિકાના ઍપના ઉદ્ઘાટન પ્રસંગે મુખ્ય પ્રધાન ઠાકરે હાજર રહ્યા હતા. આ મુદ્દે મુખ્ય પ્રધાનના સમર્થકો અને ટીકાકારો વચ્ચે શાબ્દિક ટપાટપી જોવા મળી છે.
મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આજે મુંબઈ મહાપાલિકાના `વોટ્સ ઍપ ચૅટ બોટ' સુવિધાનું લોકાર્પણ કર્યું હતું. આ કાર્યક્રમ અૉનલાઇન યોજાયો હતો. આ કાર્યક્રમ દ્વારા મુખ્ય પ્રધાન ઠાકરે વિરોધીઓની ટીકા કરી હતી. વડા પ્રધાન મોદીએ ગઈકાલે કોરોનાના ઉપદ્રવના મુકાબલા વિશે યોજેલી બેઠકમાં મુખ્ય પ્રધાન હાજર રહ્યા નહોતા. તે બેઠકમાં મુખ્ય પ્રધાનને બદલે રાજ્યના આરોગ્યપ્રધાન રાજેશ ટોપે ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ટોપેએ તે બેઠકમાં પોતાને બોલવાની તક મળી નહીં હોવાની ફરિયાદ કરી હતી. ઉદ્ધવ ઠાકરે ગઈકાલે વડા પ્રધાનની બેઠકમાં હાજર રહ્યા નહીં, પણ આજે મુંબઈ પાલિકાનો `વોટ્સ ઍપ ચૅટ બોટ'ના કાર્યક્રમમાં હાજર રહ્યા તે અંગે આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવી રહ્યું છે.
મુખ્ય પ્રધાને પાલિકાના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે, કોવિડ કાળમાં મુંબઈ પાલિકાએ ખૂબ જ કામ કર્યું છે. કોઈ દિવસ ઘરના વ્યક્તિઓ દ્વારા પ્રશંસા થતી નથી. છેક ન્યૂયૉર્ક અને સર્વોચ્ય અદાલય દ્વારા મુંબઈ પાલિકાના કામની પ્રશંસા થઈ છે. આપણે પ્રશંસા માટે નહીં, પરંતુ ફરજ તરીકે કામ કરીએ છીએ. મારી કેટલી પ્રશંસા થઈ તેની મને જાણ નથી. ઉપદ્રવ સર્જનારા અનેક લોકો છે. આજના કાર્યક્રમને કેટલી પ્રસિદ્ધિ મળશે તેની મને ખબર નથી. આવતી કાલે પ્રશંસા થશે એવી મને અપેક્ષા નથી, પણ જરા કંઈ ખોટું થયું તો મહાપાલિકાના ઉપર ટીકાનો વરસાદ પાડવામાં આવે છે. નગરસેવક શું કરે છે? મેયર શું કરે છે? એવી ટીકા થાય છે. આયુક્ત શું કરે છે? પેલા અધિકારી શું કરે છે? પણ તમે (વિરોધીઓ) શું કરો છો? તે પહેલા કહો. પોતે કશું જ કરવું નહીં અને ફક્ત પ્રશ્નો પૂછવામાં આવે છે. પ્રશ્ન પૂછવાનું સરળ હોય છે. તેના માટે અક્કલની જરૂર પડતી નથી. પાલિકાના અધિકારીઓએ મીઠાશ માટે તલના લાડુની રાહ જોવી નહીં. સરકારી કામોમાં `તલના લાડુ' આપ્યા સિવાય કંઈ કામ થતું નથી એવી ગેરસમજ છે. પણ તે માન્યતા તોડી પાડે એવો કાર્યક્રમની આપણે આજે શરૂઆત કરી રહ્યા છીએ. ટેક્નૉલૉજીથી લોકોને લાભ થતો ન હોય તો તે કોઈ કામની નથી, એમ ઉદ્ધવ ઠાકરેએ ઉમેર્યું હતું.
ભાજપના નેતા અને વિધાનપરિષદના વિપક્ષી નેતા પ્રવીણ દરેકરે જણાવ્યું હતું કે, મુખ્ય પ્રધાન ઠાકરે વડા પ્રધાનના કોરોનાની સમસ્યા અંગેની ચર્ચામાં ભાગ લેતા નથી, પણ પાલિકાના કાર્યક્રમમાં જ ભાગ લે છે તે આશ્ચર્ય છે.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust