મુંબઈમાં કોરોના કેસ 17.60 ટકા ઘટયા, વધુ 11,317 દરદી મળ્યા

છેલ્લા પાંચમાસમાં સહુથી વધુ નવ મૃત્યુ
અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 14 (પીટીઆઈ) : શુક્રવારે મુંબઈમાંથી કોરોનાના 11,317 નવા કેસ મળ્યા હતા અને એ સાથે શહેરમાંથી અત્યાર સુધી મળેલા કોરોનાગ્રસ્તોની કુલ સંખ્યા 9,81,306 થઈ ગઈ છે. મુંબઈમાં અત્યારે 84,352 દરદીઓ સારવાર લઈ રહ્યા છે. જે નવા દરદી મળ્યા હતા, એમાંથી માત્ર 800 દરદીને જ હૉસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી. બાકીના હોમ ક્વોરન્ટાઈન કરાયા છે. મુંબઈમાં ગુરુવારની તુલનામાં આજે 17.60 ટકા કેસ ઓછા મળ્યા હતા.
મુંબઈમાં આજે કોરોનાસુરએ નવ દરદીઓનો ભોગ લીધો હતો. જે એક દિવસ થયેલા મૃત્યુની દૃષ્ટિએ ગણતા ગત 11મી અૉગસ્ટ પછી સહુથી મોટો આંકડો છે. છેલ્લાં 24 કલાકમાં નવ કોરોનાગ્રસ્તનું મૃત્યુ થતા શહેરનો મરણાંક 16,435 પર પહોંચી ગયો હતો. શહેરમાં છેલ્લાં 24 કલાકમાં 22,073 દરદીઓને રજા આપવામાં આવી હતી. ડબાલિંગ રેટ 39 દિવસનો છે.
મુંબઈમાં અત્યારે 65 બિલ્ડિંગો પાલિકાએ સીલ કરી છે. જ્યારે ચાલ-ઝૂંપડપટ્ટી સીલની સંખ્યા શૂન્યની છે. છેલ્લાં 24 કલાકમાં મુંબઈમાં 54,924 ટેસ્ટ કરવામાં આવી હતી.પાલિકાએ કહ્યું હતું કે કોરોનાના કુલ 38,088 બૅડમાંથી અત્યારે માત્ર 6432 બૅડ ભરાયેલા છે. બીજી રીતે કહીએ તો 16.80 ટકા જ ખાટલા દરદીથી ભરેલા છે. ગુરુવારે મળેલા નવા દરદીમાંથી 88 નવા પેશન્ટોને ઓક્સિજન પર રાખવામાં આવેલા. એ ઉપરાંત જે નવા દરદી મળેલાં એમાં 9506 (84 ટકા)માં કોરોનાના  કોઈ લક્ષણો નહોતા.
મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોનનો 238 નવા દરદી મળ્યા 
શુક્રવારે મહારાષ્ટ્રમાંથી ઓમિક્રોન વાઈરસના નવા 238 દરદી મળ્યા હતા. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી આ ખતરનાક વાઈરસના મળેલા દરદીઓની કુલ સંખ્યા 1605ની થઈ ગઈ છે. 859 દરદીઓને રજા આપી દેવામાં આવી છે.  શુક્રવારે જે 238 નવા કેસ મળ્યા હતા એમાંથી 232 કેસ પુણે જિલ્લામાંથી મળ્યા હતા. નવી મુંબઈમાંથી ત્રણ, મુંબઈમાંથી બે અને અકોલામાંથી એક કેસ મળ્યો હતો  મુંબઈમાંથી અત્યાર સુધી ઓમિક્રોનના કુલ 629 કેસ મળ્યા છે. મુંબઈમાંથી મોટાભાગના દરદી ઍરપૉર્ટ પર ક્રાનિંગ દરમિયાન મળ્યા છે.
મહારાષ્ટ્રમાં કોરોનાના 43,211 નવા કેસ મળ્યા 
મહારાષ્ટ્રમાંથી શુક્રવારે કોરોનાના નવા 43,211 કેસ મળી આવ્યા હતા. એ સાથે રાજ્યમાં અત્યાર સુધી કુલ 71,24,278 મળી આવ્યા છે. રાજ્યમાં અત્યારે 2,61,658 દરદી સારવાર હેઠળ છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 19 કોરોનાગ્રસ્તોના મૃત્યુ થયા હતા. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33,356 કોરોનાગ્રસ્તોને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.
થાણે શહેરમાંથી 2180 નવા કેસ મળ્યા 
શુક્રવારે થાણે જિલ્લામાંથી કોરોનાના 853 નવા દરદી મળ્યા હતા, જ્યારે થાણે શહેરમાંથી 2058 નવા દરદી મળ્યા હતા. નવી મુંબઈમાંથી 1746, કલ્યાણ-ડોમ્બિવલીમાંથી 1133, ઉલ્હાસનગરમાંથી 178, ભિવંડી-નિઝામપુરમાંથી 68, મીરા-ભાયંદરમાંથી 809, પાલઘર જિલ્લામાંથી 564, વસઈ-વિરારમાંથી 980, રાયગઢ જિલ્લામાંથી 916 અને પનવેલ શહેરમાંથી 1415 નવા કેસ મળ્યા હતા.  
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust