મકરસંક્રાંતિએ હરિદ્વાર સૂનું!

ગંગાસાગર પર ત્રણ લાખ શ્રધ્ધાળુઓની ભીડ
હરિદ્વાર, તા. 14 : મકરસંક્રાંતિ નિમિત્તે દેશના ખૂણેખૂણેથી લોકો હરિદ્વારમાં ગંગાસ્નાન કરવા આવતા હોય છે. પરંતુ વધતા કોરોના સંક્રમણને કારણે મકરસંક્રાંતિ નિમિત્તે હરિદ્વારમાં સ્નાન પર પ્રતિબંધ લગાડવામાં આવતાં આજે હર કી પેડી સહિત તમામ ઘાટ સૂના જોવા મળ્યા હતા. હરિદ્વાર જિલ્લા પ્રશાસન દ્વારા સ્નાન પર પ્રતિબંધ મૂકાતાં હરિદ્વારના હર કી પેડીના સમસ્ત વિસ્તારને બેરિકેડ કરીને શ્રદ્ધાળુઓને ત્યાં આવતા અટકાવાયા હતા. અહીં મોટી સંખ્યામાં પોલીસો તહેનાત કરીને લોકોને ઘાટ પર જતા અટકાવવા માટે પ્રશાસને પ્રબંધ ર્ક્યો હતો. આજે સવારની ગંગા આરતી પણ ગણતરીના લોકોની ઉપસ્થિતિમાં જ કરવામાં આવી હતી. 
ગંગાસાગરમાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ
બીજી તરફ પશ્ચિમ બંગાળના ગંગાસાગરમાં ગંગાસ્નાન માટે ત્રણ લાખ લોકો એકઠા થયા હતા. ગંગાસાગરના મહત્વ અને ઇતિહાસ અંગે બનારસ હિન્દુ યુનિવર્સિટીના સંસ્કૃતના પ્રો. જનાર્દન રટાટેએ કહ્યું હતું કે કોઈપણ નદીના સંગમનું ઘણું મહત્વ હોય છે. ગંગાસાગર પાસે કપિલ મુનિનો આશ્રમ પણ છે. કપિલ મુનિના આશ્રમમાં પૂર્વજોની ભસ્મને માતા ગંગાએ પોતાનામાં સમાવી લીધી હતી. `સારે તીરથ બાર બાર, ગંગા સાગર એક બાર' જેવી કહેવત ગંગાસાગરનું મહત્વ દર્શાવે છે. દસ અશ્વમેઘ યજ્ઞ અથવા 1000 ગૌદાન જેટલું પુણ્ય ગંગાસાગરમાં સ્નાનથી મળે છે. એમાં પણ મકરસંક્રાંતિએ ગંગાસ્નાનનું મહત્વ અનન્ય છે. 
પ્રયાગરાજમાં માઘમેળો
હિન્દુઓના મહત્વના તીર્થસ્થળ પ્રયાગરાજમાં આજથી માઘ મેળો અને કલ્પવાસ બંનેનો પ્રારંભ થતાં લાખોની સંખ્યામાં લોકોએ મકરસંક્રાંતિ નિમિત્તે ગંગા, યમુના અને અદૃશ્ય સરસ્વતી નદીના સંગમમાં ડૂબકી લગાડી હતી. કોવિડ પ્રતિબંધો અમલમાં હોવા છતાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીં જોવા મળ્યા હતા. પ્રયાગરાજ સંગમમાં 14 અને 15 જાન્યુઆરી બંને દિવસે મકરસંક્રાંતિ સ્નાન થશે.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust