ગુનો રદ કરવા માટે વૃક્ષારોપણની સજા

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 14 : પાડોશી મહિલાનો વિનયભંગ કરવા બદલ નોંધવામાં આવેલો ગુનો રદ કરવો હોય તો હાઉસિંગ સોસાયટીની આસપાસ દસ વૃક્ષ વાવવાનો આદેશ મુંબઈ હાઈ કોર્ટે આરોપી અને ફરિયાદી મહિલાને આપ્યો હતો. ફરિયાદી અને આરોપીએ પરસ્પર સમજૂતીથી ગુનો રદ કરવાની માગણી કરતાં અદાલતે આ આદેશ આપ્યો હતો.
2018માં વિક્રોલી પોલીસે નોંધેલો ગુનો રદ કરવા માટે સંજય ગાંગુર્ડેએ અરજી કરી હતી. ન્યાયમૂર્તિઓ પ્રસન્ન વરાળે અને અનિલ કિલેરની ખંડપીઠે સમક્ષ આ પ્રકરણની સુનાવણી થઈ હતી ત્યારે નવેમ્બર, 2021માં વાદી અને પ્રતિવાદીએ પરસ્પર સમજૂતીથી આ પ્રકરણ બંધ 
કરવા માટે તૈયાર હોવાનું અદાલતને જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે અમે બંને એક જ હાઉસિંગ સોસાયટીમાં રહીએ છીએ અને અમારી વચ્ચે સૌહાર્દપૂર્ણ સંબંધો હતા. પરંતુ ગુનો નોંધાવ્યા બાદ અમને અમારી ભૂલ સમજાઈ હતી. 
બંને પક્ષોનું નિવેદન સાંભળ્યા બાદ આ ખટલો ચાલુ રાખવાનું નિરર્થક હોવાનું અને પ્રકરણ પ્રલંબિત રાખવાથી કનિષ્ઠ અદાલત પર બોજો વધશે એવું અદાલતે નોંધ્યું હતું. પરંતુ અદાલતે ગુનો રદ કરવાના બદલામાં સામાજિક કાર્ય કરવાનું સૂચવતાં બંને પક્ષ તૈયાર થયા હતા અને અદાલતે તેમની ઇમારતની આસપાસ દરેકને 10-10 વૃક્ષ વાવવાનો આદેશ આપ્યો હતો. આ માટે છ અઠવાડિયાંની મુદત આપવામાં આવી છે. વૃક્ષારોપણ બાદ સોસાયટીના સેક્રેટરી પાસેથી આ અંગેનું પ્રમાણપત્ર લઈને આઠ અઠવાડિયામાં અદાલતમાં રજૂ કરવાનું જણાવાયું છે. પક્ષકારો એમ કરવામાં નિષ્ફળ જશે તો ગુનો રદ કરવાનો આદેશ પાછો ખેંચવામાં આવશે એવી ચીમકી પણ અદાલતે આપી હતી.
Published on: Sat, 15 Jan 2022

© 2022 Saurashtra Trust