વિશ્વ આર્થિક મંચનું દાવોસ શિખર સંમેલન 17 જાન્યુઆરીથી
નવી દિલ્હી, તા. 14 : વિશ્વ આર્થિક મંચ (ડબ્લ્યુઈએફ)નું અૉનલાઈન યોજાયેલ દાવોસ એજેન્ડા શિખર સંમેલનને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહેલે દિવસે સંબંધોન કરશે. પાંચ દિવસનું આ શિખર સંમેલન 17 જાન્યુઆરીથી શરૂ થશે. વિશ્વના અન્ય નેતાઓ પણ વર્ષ 2022 માટેના તેમના વિચારો રજૂ કરશે.
કોરોના મહામારીનું સંક્રમણ વધતાં ડબ્લ્યુઈએફે વાર્ષિક મિટિંગનું પ્રત્યક્ષ આયોજન રદ્દ કરવું પડ્યું છે. સળંગ બીજી વાર આ શિખર સંમેલન ડિજિટલી આયોજિત થઈ રહ્યું છે. વર્ષ 2022ની વાર્ષિક મિટિંગ આ વર્ષના અંતમાં થવાની ધારણા છે. કાર્યક્રમની જાહેરાત કરતાં વિશ્વ આર્થિક મંચે કહ્યું કે દાવોસ એજેન્ડા 2022 એવું પહેલું વૈશ્વિક મંચ બનશે જ્યાં વિશ્વભરના મોટા નેતાઓ આ વર્ષ માટે તેમનો દૃષ્ટિકોણ રજૂ કરશે. આ વર્ષનો વિષય છે `િવશ્વની પરિસ્થિતિ'.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત આ શિખર સંમેલનને જપાનના વડા પ્રધાન કિશીદા ફુમિયો, સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્તોનિયો ગુતારેસ, અૉસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કૉટ મૉરિસન, અમેરિકાની નાણાપ્રધાન જેનેટ એલ. યેલેન સહિતના અનેક વૈશ્વિક નેતાઓ સંબોધિત કરશે.
Published on: Sat, 15 Jan 2022