અહાના કુમરાએ કાશ્મીર પ્રવાસની તસવીરો સોશિયલ મીડિયા પર મૂકી છે. તેણે ક્રિસમસ અને નવા વર્ષની ઉજવણી ત્યાં કરવા સાથે વધુ દસ દિવસનું રોકાણ કર્યું હતું. જોકે, મુંબઈ આવી ગયા બાદ પણ તે હજુ કાશ્મીરના કેફમાં જ છે. અહાનાએ કહ્યું હતું કે, હું અગાઉ કયારેય કાશ્મીર ગઈ નહોતી. આથી મેં નવા વર્ષની શરૂઆત અહીંથી કરવાનો નિર્ણય કર્યો હતો. મેં કાશ્મીરની સુંદરતા વિશે જેટલું સાંભળ્યું હતું તેનાથી અનેક ગણી વધુ સુંદરતા અહીં જોઈ.
શ્રીનગર, ગુલમર્ગ અને પહલગામમાં રહી અને ત્યાંના સૌંદર્યથી અત્યંત પ્રભાવિત થઈ છું. થોડા દિવસ હાઉસબોટમાં પણ રહી છું. મેં ગોંડોલાની સવારી કરી અને સ્નો સ્પોર્ટ્સમાં પણ ભાગ લીધો. સ્થાનિક યુવક-યુવતીઓની સાથે દોસ્તી કરી અને તેમણે મને વિવિધ સુંદર જગ્યાઓ વિશે જણાવ્યું હતું.
બરફવર્ષા થઈ ત્યારે અહાના બાળકીની જેમ નાચી ઊઠી હતી. તેણે જણાવ્યું કે, હું પહોંચી ત્યારે બરફવર્ષા થઈ હતી અને બીજે દિવસે સવારે તો રસ્તા પર ત્રણ ફૂટ બરફ હતો. આવું સૌંદર્ય મેં અગાઉ કયારેય જોયું નહોતું. હઝરતબલ અને શંકરાચાર્ય મંદિરે ગઈ હતી. ત્યાંનું સ્થાનિક ભોજન લીધું હતું તથા એક આખો દિવસ શોપિંગ કર્યું હતું. શ્રીનગરની જૂની ગલીઓ અને ઇતિહાસને પણ જાણવાની મજા આવી.
Published on: Tue, 18 Jan 2022
અહાના કુમરાને કાશ્મીરની સવાર બ્યુટી ઍન્ડ ધ બીસ્ટના સેટ જેવી લાગી
