મેલબોર્ન, તા.17: નવ વખતના ચેમ્પિયન નોવાક જોકોવિચની વિવાદાસ્પદ રવાનગી સાથે આજથી શરૂ થયેલ વર્ષની પ્રથમ ગ્રાંડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટમાં પૂર્વ નંબર વન રાફેલ નડાલ અને નાઓમી ઓસાકાએ જીત સાથે આરંભ કર્યો છે.
સ્પેનના ટેનિસ સ્ટાર અને 20 વખતના ગ્રાંડસ્લેમ વિજેતા નડાલે પહેલા રાઉન્ડમાં અમેરિકી ખેલાડી માર્કોસ ગિરોનને 6-1, 6-4 અને 6-2થી હાર આપી હતી. જોકોવિચ, નડાલ અને ફેડરર 20-20 ગ્રાંડસ્લેમ વિજેતા છે. ફેડરર ઘૂંટણની ઇજાને લીધે રમી રહ્યો નથી જ્યારે જોકોવિચ વેક્સિન ન લેવાને લીધે ઓસ્ટ્રેલિયા દેશની બહાર થયો છે.
નડાલની નજર હવે તમામ ચાર ગ્રાંડસ્લેમ ખિતાબ બે-બે વખત જીતીને ઓપન યુગમાં જોકોવિચ પછી બીજા ખેલાડી બનવા પર હશે. જોકોવિચ 2021માં ફ્રેંચ ઓપન ચેમ્પિયન થયા બાદ આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યો છે.
મહિલા વર્ગમાં જાપાનની નાઓમી ઓસાકાએ કામિલા ઓસોરિયોને 6-3 અને 6-3થી હાર આપી હતી.
ઓસાકા અહીં ગયા વર્ષે ચેમ્પિયન થયા બાદ ફ્રેંચ ઓપનમાં બીજા રાઉન્ડ બાદ નામ પાછું ખેંચી લીધું હતું.
વિમ્બલ્ડનમાં રમી ન હતી. પાંચમા ક્રમની મારિયા સકકારીએ તતયાના મારિયાને 6-4 અને 7-6થી હાર આપી હતી. ટોકયો ઓલિમ્પિકની ગોલ્ડ મેડલિસ્ટ બેલિંડા બેચિચે ક્રિસ્ટીના મલાદેનોવિચને 6-4 અને 6-3થી હાર આપીને બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. 15મા ક્રમની અનુભવી ખેલાડી એલિના સ્વિતોલિનાએ પણ બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પુરુષ વર્ગમાં કાર્લોસ અલકારેજ પણ બીજા રાઉન્ડમાં પહોંચી ગયો છે.
Published on: Tue, 18 Jan 2022
અૉસ્ટ્રેલિયા અૉપનના પ્રારંભે નડાલ અને ઓસાકાના વિજય
