વેસ્ટ ઈન્ડિઝ સામે આયરલૅન્ડનો ઐતિહાસિક વન ડે શ્રેણી વિજય

વેસ્ટ ઈન્ડિઝ સામે આયરલૅન્ડનો ઐતિહાસિક વન ડે શ્રેણી વિજય
ત્રીજા અને આખરી વન ડેમાં બે વિકેટે યાદગાર જીત 
કિંગસ્ટન, તા.17: આયરલેન્ડની ટીમે ગઇકાલે નિર્ણાયક વન ડેમાં બે વિકેટે યાદગાર જીત મેળવીને વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 2-1થી ઐતિહાસિક શ્રેણી વિજય હાંસલ કર્યો છે. આઇસીસીના કોઈ પણ પૂર્ણકાલિન સદસ્ય વિરુદ્ધ આયરલેન્ડની વિદેશી ધરતી પર આ પહેલી વન ડે શ્રેણી જીત છે. આ પહેલા ઝિમ્બાબ્વેને ઘરઆંગણે 2019માં શ્રેણી હાર આપી હતી. હવે વિન્ડિઝને તેની જ સરજમીં પર પરાજય આપ્યો છે.
ગઇકાલે રમાયેલા ત્રીજા અને આખરી વન ડે મેચમાં વેસ્ટ ઇન્ડિઝ ટીમ 45 ઓવરમાં 212 રને ઓલઆઉટ થઈ હતી. જવાબમાં આયરલેન્ડે 45 ઓવરમાં 8 વિકેટે 214 રન કરીને બે વિકેટે વિજય મેળવ્યો હતો. આયરલેન્ડ તરફથી કાર્યવાહક કપ્તાન પોલ સ્ટર્લિંગે 38 દડામાં 44 રન અને એન્ડી મેકબ્રાયને 59 રનની ઇનિંગ રમી હતી. આ પહેલા તેણે બોલથી પણ શાનદાર દેખાવ કરીને 4 વિકેટ લીધી હતી. તે પ્લેયર ઓફ ધ મેચ અને સિરિઝ બન્યો હતો જ્યારે હેરી ટેકરે સતત ત્રીજી અર્ધસદી કરીને બાવન રન બનાવ્યા હતા.
 આ પહેલા વિન્ડિઝ તરફથી ઓપનર શાઇ હોપે 53 અને હોલ્ડરે 44 રન કર્યા હતા. કપ્તાન પોલાર્ડ સહિતના બાકીના તમામ કેરેબિયન બેટધર નિષ્ફળ રહ્યા હતા. પહેલા વન ડેમાં વિન્ડિઝનો વિજય થયો હતો, પછીના બે વન ડેમાં આયરલેન્ડે જીત મેળવીને શ્રેણી કબજે કરી હતી.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer