વડોદરાની યષ્ટિકા ભાટિયાને વિશ્વ કપ વિજેતા બનવાનો વિશ્વાસ

વડોદરાની યષ્ટિકા ભાટિયાને વિશ્વ કપ વિજેતા બનવાનો વિશ્વાસ
ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે ન્યૂ ઝીલૅન્ડ જશે
વડોદરા, તા.17: ન્યુઝિલેન્ડના પ્રવાસે જનાર અને વિશ્વકપ રમનાર ભારતીય મહિલા ટીમમાં વડોદરાની મહિલા ક્રિકેટર યાસ્તિકા ભાટિયાની પસંદગી કરાઈ છે. યાસ્તિકા ભાટિયા ડાબોડી સ્ટાઇલિસ્ટ બેટધર અને વિકેટ કીપર છે અને ટીમ સાથે જોડાવવા માટે તે આજે વડોદરા એરપોર્ટથી રવાના થઈ છે. મુંબઈથી ભારતીય ટીમ ન્યુઝિલેન્ડ જવા રવાના થશે. યાસ્તિકાએ ભારતીય મહિલા ટીમમાં જોડાયા પહેલાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વકપ જીતે તે માટે મારો શ્રેષ્ઠ પ્રયાસ રહેશે. મારું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવા માટે કોઈ કસર નહીં રાખું. યાસ્તિકા વડોદરા એરપોર્ટ પર પહોંચી ત્યારે ભારતીય મહિલા ટીમના પૂર્વ મેનેજર અને બીસીએના ચીફ સિલેક્ટર (મહિલા ટીમ) ગીતા ગાયકવાડે વિશ્વકપ માટેની શુભેચ્છા પાઠવી હતી. બીજી બાજુ યાસ્તિકા ભાટિયાના પિતા હરીશ ભાટિયાએ જણાવ્યું હતું કે, તે વિશ્વકપ માટે ખૂબ ઉત્સાહી છે જતાં પહેલાં મને કહ્યું કે પપ્પા હું વર્લ્ડ કપ સાથે પાછી આવીશ. ન્યુઝિલેન્ડમાં ભારતીય મહિલા ટીમ પાંચ વન-ડે અને ટી-20 મેચ અને ત્યારબાદ વિશ્વકપ રમશે. ગત વર્ષે ઓસ્ટ્રેલિયાના પ્રવાસ ગયેલી ભારતની ત્રણેય ફોર્મેટની ટીમમાં યાસ્તિકાનો સમાવેશ થયો હતો. યાસ્તિકા આક્રમક બાટિંગ માટે જાણીતી છે. ગત વર્ષે યાસ્તિકાએ ઓસ્ટ્રેલિયામાં ડેબ્યૂ કર્યું હતું. વર્લ્ડ કપ ન્યુઝિલેન્ડમાં યોજાવાનો છે, તે પહેલા આ સીરિઝ ઉપયોગી સાબિત થશે. ન્યુઝિલેન્ડની બાઉન્સી પીચો માટેની તૈયારી અંગે યાસ્તિકાએ જણાવ્યું હતું કે, બેંગલુરુ કેમ્પમાં મને શોર્ટ પીચ બોલ અને બાઉન્સી વિકેટ પર કેવી રીતે રમવું તેની પ્રેક્ટિસ કરાવવામાં આવી હતી.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer