કાલથી દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની વન ડે શ્રેણીનો પ્રારંભ

કાલથી દક્ષિણ આફ્રિકા સામે ટીમ ઈન્ડિયાની વન ડે શ્રેણીનો પ્રારંભ
છેલ્લે કોહલીના કપ્તાનપદ હેઠળ આફ્રિકાને 5-1થી હરાવ્યું હતું
પર્લ (દ. આફ્રિકા), તા.17 : દક્ષિણ આફ્રિકા સામે 1-2થી ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ ટીમ ઇન્ડિયા હવે બુધવારથી વન ડે સિરીઝ માટે મેદાનમાં ઉતરશે. ત્રણ વન ડેની શ્રેણીનો પહેલો અને બીજો મેચ પર્લ ખાતે બુધવારે અને શુક્રવારે રમાશે. આ પછી કેપટાઉનમાં ત્રીજો અને આખરી વન ડે મેચ રવિવારે રમાશે. ટીમ ઇન્ડિયાની નજર દ. આફ્રિકાની સરજમીં પર સતત બીજી વન ડે શ્રેણી જીતવા પર રહેશે.
બુધવારથી રમાનાર પહેલા વન ડે આગઉ આજે ભારતીય ખેલાડીઓએ જોરદાર નેટ પ્રેક્ટિસ કરી હતી. આ દરમિયાન વિરાટ કોહલી એક ખેલાડીના રૂપમાં હળવા મૂડમાં જોવા મળ્યો હતો. છેલ્લે વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ ટીમ ઇન્ડિયાએ દ. આફ્રિકાને 2018માં 6 મેચની શ્રેણીમાં 5-1થી કારમો પરાજય આપ્યો હતો.
ટીમ ઇન્ડિયા જુલાઇ 2019 બાદ પહેલીવાર વન ડે ફોર્મેટમાં ભાગ લેશે. છેલ્લે શિખર ધવનના સુકાનીપદ હેઠળ ભારતીય ટીમ શ્રીલંકામાં વન ડે સિરીઝ રમી હતી ત્યારે એ ટીમમાં મોટાભાગના યુવા ખેલાડીઓ હતા. 
એ પછી રોહિત શર્મા વન ડે ટીમનો નિયમિત સુકાની બની ગયો છે. જો કે ઇજાને લીધે તે આ શ્રેણીની બહાર છે. આથી કે એલ રાહુલને ટીમનો કાર્યવાહક સુકાની બનાવાયો છે.
ભારતીય ટીમ આ પહેલા આફ્રિકાની ધરતી પર પાંચ વન ડે શ્રેણી રમી છે. જેમાં ચારમાં હાર સહન કરી છે. છેલ્લી વન ડે શ્રેણી જે 2018માં રમાઈ હતી તેમાં ભારતનો 5-1થી જબરદસ્ત વિજય નોંધાયો હતો.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer