સોના-ચાંદી મક્કમ

અમારા પ્રતિનિધિ તરફથી 
રાજકોટ, તા. 17 : વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ મક્કમ રહ્યા હતા. ફુગાવો વિશ્વના તમામ અર્થતંત્રોમાં વધી રહ્યા હોવાથી ફુગાવા સામે હેજરુપે સોના-ચાંદીની ખરીદી થઇ રહી છે. સોનાનો ભાવ આ લખાય છે ત્યારે 1822 ડોલરની અને ચાંદી 23.06 ડોલરની સપાટીએ રહી હતી. ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદર વધારો માર્ચ મહિનામાં કરવામાં આવશે તેવી ધારણા હોવાને લીધે બજારમાં મોટી તેજી થઇ શકતી નથી. ડોલર ઇન્ડેક્સ અને અમેરિકી બોન્ડ માર્કેટમાં સોમવારે મજબૂત સ્થિતિ રહી હતી. 
વિષ્લેષકો કહે છે કે, સોનામાં હેજરુપી ખરીદી ન હોત તો ભાવ નિશ્ચિતપણે ઘટી જવાના હતા. જોકે કિંમતી ધાતુ અત્યારે વ્યાજદરથી પ્રભાવિત થઇ રહી છે. વ્યાજદરમાં વધારો થાય એટલે ધાતુઓમાં ઘટાડો આવ્યા વિના રહેશે નહીં. 
ફેડરલ રિઝર્વના સત્તાવાળાઓની નવી બેઠક 25-26 જાન્યુઆરીના દિવસોમાં મળવાની છે. જોકે એમાં હવે કોઇ ખાસ કોમેન્ટ થાય તેવી શક્યતા દેખાતી નથી. મોટેભાગે ચીલાચાલુ નિવેદનો દ્વારા જ બેઠક પૂર્ણ કરવામાં આવશે. આખા વર્ષમાં એક ટકા સુધીનો વ્યાજદર વધારો કરવામાં આવશે કે કેમ તે પ્રશ્ન અનુત્તર રહ્યો છે, જોકે આ અંગે કોઇ જાહેરાત થાય તો બજારને ઘટવું પડે તેમ છે.  
રશિયા અને યુક્રેન વચ્ચે યુધ્ધ જેવી પરિસ્થિતિ છે એટલે પણ સોનાને પ્રિમિયમ મળી રહ્યું છે તેમ અભ્યાસુઓ કહે છે. અત્યારે સોનાના ભાવ અનિશ્ચિત માહોલમાં છે, એને યોગ્ય દિશા તત્કાળ મળે તેમ નથી.  ચાર્ટની રીતે સોનામાં 1815થી 1830 ડોલરની રેન્જ ચાલુ સપ્તાહમાં રહે તેવી શક્યતા છે. 1800 ડોલરનું સ્તર તૂટે તેવી સંભાવના હાલ ઓછી છે. 
રાજકોટની ઝવેરી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ 10 ગ્રામે રૂ.50ના સુધારામાં રૂ.49600 અને મુંબઇમાં રૂ. 7 વધતા રૂ. 48142 રહ્યો હતો. ચાંદી રાજકોટમાં એક કિલોએ રૂ. 400 વધતા રૂ. 62400 અને મુંબઇમાં રૂ. 100 ઘટતા રૂ. 61759 રહી હતી.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer