ટુ-વ્હિલર્સ ઉપરનો જીએસટી ઘટાડીને 18 ટકા કરવાની ફાડાની માગણી

ટુ-વ્હિલર્સ ઉપરનો જીએસટી ઘટાડીને 18 ટકા કરવાની ફાડાની માગણી
ગ્રામીણ વિસ્તારોમાં ટુ-વ્હિલર્સ લક્ઝરી નહીં, આજીવિકાનું સાધન છે
મુંબઈ, તા. 17 : ફેડરેશન અૉફ અૉટોમોબાઇલ ડીલર્સ એસોસિએશન (ફાડા)એ ટુ - વ્હિલર્સ ઉપરનો જીએસટી 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની માગણી કરી છે જેથી આ શ્રેણી હેઠળ ાાવતાં વાહનોની માગમાં વધારો થઇ શકે. 
વર્ષ 2022-23ના બજેટમાં ટુ - વ્હિલર્સ ઉપરનો જીએસટી જે અત્યારે 28 ટકા + બે ટકા સેસ છે તે ઘટાડીને 18 ટકા કરવો વ્યવહારૂ ગણાશે કારણકે ટુ - વ્હિલર્સ કોઇપણ રીતે લક્ઝરી ઉત્પાદનની વ્યાખ્યામાં બેસતા નથી, એમ ફાડાએ કેન્દ્રીય નાણા મંત્રાલયને સુપરત કરેલા એઁક નિવેદનમાં જણાવ્યું છે.
આવતી એક ફેબ્રુઆરીએ નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સંસદમાં વર્ષ 2022-23 માટે કેન્દ્રીય બજેટ રજૂ કરશે. ફાડાએ તેના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે વિશેષ રૂપે ગ્રામીણ વિસ્તારોમાં લોકો પોતાની આજીવિકા રળવા માટે લાંબા અંતરનો પ્રવાસ ખેડવા માટે ટુ વ્હિલર્સનો ઉપયોગ કરે છે અને તેનાથી ગ્રામીણ અર્થતંત્રને લાભ થતો હોવાથી ટુ વ્હિલર્સને લક્ઝરી વસ્તુની શ્રેણીમાં રાખવા જોઇએ નહીં અને તેનો જીએસટી દર ઘટાડીને 18 ટકા કરવો જોઇએ. 
ઉત્પાદન ખર્ચ વધવાથી વાહનોના ભાવ અત્યારે 3-4 માસના અંતરે વધી રહ્યા છે ત્યારે જીએસટી દરમાં ઘટાડો કરવામાં આવે તો ભાવ વધારો ગ્રાહકો માટે નહીંવત્ બની જશે અને માગમાં એકંદરે વધારો થશે, એમ ફાડાએ તેમના નિવેદનમાં જણાવ્યું છે.
ફાડાએ યુઝ્ડ વ્હિકલ્સ ઉપર પણ જીએસટી ઘટાડીને પાંચ ટકા કરવાની માંગણી કરી છે જેથી સરકાર,ડીલર્સ અને વાહનના માલિકને લાભ થઇ શકે.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer