અલ્ટ્રાટૅક સિમેન્ટનો ડિસેમ્બર ત્રિમાસિક ચોખ્ખો નફો આઠ ટકા વધ્યો

અલ્ટ્રાટૅક સિમેન્ટનો ડિસેમ્બર ત્રિમાસિક ચોખ્ખો નફો આઠ ટકા વધ્યો
એકત્રિત આવક છ ટકા વધીને રૂા. 12,985 કરોડ થઇ
મુંબઈ, તા. 17 : દેશની સૌથી મોટી સિમેન્ટ ઉત્પાદક કંપની અલ્ટ્રાટૅક સિમેન્ટ લિમિટેડએ માર્કેટની અપેક્ષા કરતાં વધારે ચોખ્ખો નફો નોંધાવ્યો છે. કંપનીએ ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં વેરા ચુકવ્યા પછીનો ચોખ્ખો એકત્રિત નફો રૂ.1708 કરોડ નોંધાવ્યો છે જે એક વર્ષ પહેલાં સમાન ગાળાની તુલનાએ 7.8 ટકા વધારે છે. 
ગયા વર્ષે સમાનગાળામાં કંપનીએ રૂ.1584 કરોડનો ચોખ્ખો એકત્રિત નફો નોંધાવ્યો હતો. કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં રૂ.1314 કરોડનો ચોખ્ખો નફો વેરાની ચુકવણી બાદ નોંધાવ્યો હતો. કંપનીનું વૉલ્યુમ વાર્ષિક ધોરણે ઘટયું છે પણ ત્રિમાસિક ધોરણે વૉલ્યુમમાં સામાન્ય વધારો થયો છે. કંપનીની એકત્રિત આવક અપેક્ષા અનુસાર છ ટકા વધીને ડિસેમ્બર ગાળામાં રૂ.12,985 કરોડ થઇ હતી. જે એક વર્ષ પહેલા સમાન ગાળામાં 12,254 કરોડ  થઇ હતી. જ્યારે સપ્ટેમ્બર ગાળામાં કંપનીની આવક રૂ.12,017 કરોડ થઇ હતી. 
કમોસમી વરસાદ, રેતીની અછત અને દિલ્હી એનસીઆર રિજનમાં બાંધકામ પ્રવૃત્તિ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતાં કંપનીના વૉલ્યુમ ઉપર વિપરિત અસર પડી હતી.  કોલસા અને પૅટકૉકના ઊંચા ભાવ તેમજ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થવાથી પરિવહન ખર્ચમાં આવેલા ઉછાળાના કારણે કંપનીના ગ્રોસ માર્જિન (ઉત્પાદન ખર્ચ અને વેચાણ કિંમત વચ્ચેના તફાવત) ઉપર માઠી અસર પડી હતી.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer