નિકાસ પરવાના ચોરીને ઘાટકોપરના વેપારી સાથે રૂા. 1.45 કરોડની ઠગાઈ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા.17 : બેંગ્લોરસ્થિત કંપનીના નિકાસ પરવાનાની ચોરી કરી ઘાટકોપરના વેપારી સાગર મહેન્દ્ર ભાયાણી (41)ને વેચીને લગભગ રૂ.1.45 કરોડની ઠગાઈ કરાઈ છે. ચોરી થયેલા 80 નિકાસ પરવાના પૈકી 21 નિકાસ પરવાનાનું વેચાણ ફરિયાદી સાગર મહેન્દ્ર ભાયાણીને કરવામાં આવ્યું હતું. આ મામલે ઘાટકોપરના પાર્કસાઈટ પોલીસ સ્ટેશનમાં ત્રણ જણ વિરુધ્ધ ગુનો નોંધાયો છે. ફરિયાદી  ભાયાણીનો નિકાસ પરવાનાનો વ્યવસાય છે. આરોપી બિઝનેસમેને તેનો સંપર્ક કરી 31મી અૉગસ્ટથી નવમી સપ્ટેમ્બર, 2021 દરમિયાન 21 પરવાનાનું વેચાણ કર્યું હતું.
જેને માટે ફરિયાદીએ આરોપીને રૂ.1.76 કરોડ આપ્યા હતા. ફરિયાદીએ જાહેર નોટિસ વાંચી હતી, જેમાં બેંગ્લોરનું ફર્સ્ટ સ્ટેપ બેબી વેયર કંપનીના 80 પરવાનાની અૉનલાઈન ચોરી થઈ હોવાનું જણાવાયું હતું, જેમાં ફરિયાદીના 21 પરવાનાનો પણ સમાવેશ થયો હતો. ભાયાણીએ ત્યારબાદ આરોપી પાસે પોતાના રૂપિયા પરત માંગતા તેણે આપવાનો ઇન્કાર કર્યો હતો. ભાયાણીએ ત્યારબાદ પાર્કસાઈટ પોલીસ સ્ટેશને ત્રણ જણ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer