મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : મુંબઈ હાઈ કોર્ટે ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેને હત્યાના પ્રયાસના મામલામાં આગોતરા જામીન આપવાનો સોમવારે ઇન્કાર કરી દીધો હતો. સિંધુદુર્ગ જિલ્લામાં કંકવલી પોલીસે નિતેશ રાણે સામે શિવસૈનિકની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો નોંધ્યો છે.
હાઈ કોર્ટના સિંગલ બૅન્ચના જજ જસ્ટિસ સી. વી. ભડંગે કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેના દીકરા નિતેશ રાણેની આગોતરા જામીન માટેની અરજી નામંજૂર કરી હતી, પણ કેસના એક સહઆરોપી મનિષ દળવીની આગોતરા જામીન અરજી માન્ય રાખી હતી.
હાઈ કોર્ટ અરજી નામંજૂર કરતાં નિતેશ રાણેના વકીલ નીતિન પ્રધાને કહ્યું હતું કે, પોલીસે હજી એક સપ્તાહ સુધી મારા અસીલની ધરપકડ ન કરવી જોઈએ. પોલીસે અગાઉ જે ખાતરી આપી હતી, એને એક અઠવાડિયું લંબાવવાની માગણી તેમણે કરી હતી.
આને પગલે જજે પોલીસના વકીલ સુદિપ પાસબોલાને આ ખાતરી હજી સાત દિવસ લંબાવવા તૈયાર છો કે કેમ એવો પ્રશ્ન પુછ્યો હતો. પાસબોલાએ ખાતરી આપતા કહ્યું હતું કે, પોલીસ બીજા સાત દિવસ નિતેશ રાણેની ધરપકડ નહીં કરે. હાઈ કોર્ટે સુદિપ પાસબોલાની ખાતરીનો સ્વીકાર કરતા કહ્યું હતું કે, પોલીસ 27મી જાન્યુઆરી સુધી નિતેશ રાણેની ધરપકડ નહીં કરે.
સંતોષ પરબ (44) નામાના એક શિવસૈનિકની હત્યાનો પ્રયાસ કરવાનો ગુનો કંકવલી પોલીસે નિતેશ રાણે સામે નોંધ્યો છે. નિતેશ રાણે કંકવલીના મતદાર સંઘના વિધાનસભ્ય છે.
અરજીમાં નિતેશ રાણેએ એવો દાવો કર્યો છે કે રાજકીય શત્રુતાને કારણે મને આ કેસમાં ખોટી રીતે ફસાવવામાં આવ્યો છે. 30મી ડિસેમ્બરે યોજાયેલી સિંધુદુર્ગ સેન્ટ્રલ કો-અૉપરેટિવ બૅન્કની ચૂંટણીમાં હું ભાગ લઈ ન શકુ એવા એકમાત્ર ઇરાદા સાથે મને આ કેસમાં આરોપી બનાવાયો છે.
આ બૅન્કના ચૂંટણીપ્રચાર દરમિયાન સ્થાનિક શિવસૈનિક સંતોષ પરબ પર હુમલો થયો હતો. કંકવલી પોલીસે ગયા ડિસેમ્બરમાં નિતેશ રાણે અને અન્યો સામે ગુનો દાખલ કર્યો હતો. ઇન્ડિયન પિનલ કોડની 307મી કલમ (હત્યાનો પ્રયાસ), 120-બી કલમ (ફોજદારી કાવતરું) અને 34મી કલમ (સમાન ઇરાદો) હેઠળ ગુનો દાખલ કરાયો છે.
Published on: Tue, 18 Jan 2022