ઓબીસી વિશેના સુપ્રીમ કોર્ટના આદેશ સામે મહારાષ્ટ્રે અરજી કરી, કાલે સુનાવણી

નવી દિલ્હી, તા.17 (પીટીઆઈ): સુપ્રીમ કોર્ટે 15 ડિસેમ્બરે મહારાષ્ટ્રની જિલ્લા પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં અનામત રાખવામાં આવેલી 27 ટકા ઓબીસી બેઠક રદ કરી તેને ઓપન કેટેગરીની બેઠકમાં ફેરવવાનો જે આદેશ આપ્યો હતો. એ પાછો ખેંચી લેવાની માંગણી કરતી અરજી મહારાષ્ટ્ર સરકારે સોમવારે સુપ્રીમ કોર્ટમાં કરી હતી અને સુપ્રીમ કોર્ટે આ અરજીની સુનાવણી 19 જાન્યુઆરીએ કરવા સહમત થઈ હતી. 
મહારાષ્ટ્ર સરકાર વતી સિનિયર એડવૉકેટ શેખર નેફાડેએ ત્રણ જજની સુપ્રીમ કોર્ટની બૅન્ચને કહ્યું હતું કે, અમે અરજી સોમવારે અૉનલાઈન ફાઈલ કરી છે. જોકે, બૅન્ચને આ અરજી ન મળતા નેફાડેએ કેસની સુનાવણી બુધવારે કે શુક્રવારે કરવાની માંગણી કરી હતી. કોર્ટે 19 જાન્યુઆરીએ સુનાવણી કરવાની સુચના આપી હતી. કોર્ટે અરજીની નકલ ચૂંટણી પંચને પણ આપવાનો આદેશ આપ્યો હતો. 
સુપ્રીમ કોર્ટે 15 ડિસેમ્બરના જિલ્લા પરિષદ અને પંચાયતની ચૂંટણીમાં અનામત રાખવામાં આનેલી 27 ટકા ઓબીસી બેઠક રદ કરી તેને ઓપન કેટેગરીની બેઠકમાં ફેરવવાનો આદેશ આપેલો. 
એ પહેલા છ ડિસેમ્બરનાં ઓબીસીના મુદ્દે કોઈ નિર્ણય ન લેવાય ત્યાં સુધી જિલ્લા પરિષદ અને પંચાયતની અનામત બેઠકો પર ચૂંટણી યોજવા સામે સુપ્રીમ કોર્ટે સ્ટે આપેલો. કોર્ટે એમ પણ કહેલું કે બાકીની સીટ માટે ચૂંટણી યોજી શકાય છે. 
15 ડિસેમ્બરના આદેશમાં કોર્ટે કહ્યું હતું કે, રાજ્ય ચૂંટણી પંચે તત્કાળ એક નોટિફિકેશન બહાર પાડી 27 ઓબીસી અનામત બેઠકોને જનરલ કેટેગરીની જાહેર કરવી જોઈએ અને ત્યાં પણ ચૂંટણી યોજવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ. 
સુપ્રીમ કોર્ટે એના ચુકાદામાં કહ્યું હતું કે, ચૂંટણીમા 27 ટકા ઓબીસીની જે અનામત બેઠકો રાખવામાં આવી છે, એ રાખતા પહેલા ટ્રિપલ ટેસ્ટના ધોરણનું પાલન કરાયું નથી. એના વગર આ અનામત બેઠકોને પરવાનગી આપી ન શકાય. 

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer