ઓમિક્રોનના દરદીઓને એન્ટિબૉડી કોકટેલ ટ્રીટમેન્ટ આપવી ન જોઈએ

અમારા પ્રતિનિધિ તરફથી 
મુંબઈ, તા. 17 : કૅસિરીવ્હીમૅબ અને ઇમડેવ્હીમૅબ આ બે દવાના મિશ્રણથી બનાવવામાં આવતી એન્ટિબૉડી કોકટેલ ઔષધ ઓમિક્રોનના દરદીઓને આપવાની કોઈ જરૂર ન હોવાનું એક્સપર્ટોનું કહેવું છે. આ બન્ને દવાની માગ પણ છેલ્લાં થોડાં દિવસમાં ઓછી થઈ છે. 
કોરોનાના દરદીઓના ઉપચારમાં એન્ટિબૉડી કોકટેલના ઇસ્તેમાલનો પ્રભાવી અસર પડે છે એવું કોરોનાની બીજી લહેરમાં પુરવાર થયું હતું. પાલિકાની સેવન હિલ્સ હૉસ્પિટલમાં આ ઉપચાર પ્રાયોગિક ધોરણે કરાતો હતો. આવા દરદીઓને હૉસિપટલમાં ઓછો સમય રહેવું પડતું હતું તથા તેમને આઈસીયુમાં કે પછી ઓક્સિજન પર રાખવાની જરૂર પણ પડતી નહોતી. 
આને પગલે ત્રીજી લહેરમાં એન્ટિબૉડી કોકટેલની દવાની માગણી એકાએક વધી ગઈ હતી. આ ઉપચારનો ખર્ચ પણ 60 હજારનો આવે છે. કોકટેલ ઔષધને સેલાઈન મારફતે દરદીને અપાય છે એટલે એક કલાકમાં આ સારવાર પુરી પણ થઈ જાય છે. એટલે ઘણી હૉસ્પિટલોમાં તો પેશન્ટને દાખલ કરવાને બદલે ઓપીડીમાં જ દરદીને આ એન્ટિબૉડી કોકટેલ ઔષધની સારવાર આપવામાં આવે છે. 
આ એન્ટિબૉડી કોકટેલ ઔષધની કોઈ આડઅસર પણ ન હોવાનું કહેવાય છે. 
હવે એક્સપર્ટોનું કહેવું છે કે ઓમિક્રોનના લક્ષણો હળવા જ હોવાથી એન્ટિબૉડી કોકટેલના ઉપચારની જરૂર જ નથી. ઓમિક્રોનના દરદીને આવતો તાવ, શરદી, ઉધરસ સામાન્ય દવાથી મટી જતો હોવાથી કારણ વગર એન્ટિબૉડી કોકટેલ ઔષધની માગણી કરવી ન જોઈએ, એમ રાજ્યના કોવિડ-19 ટાસ્કફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીનું કહેવું છે.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer