હવે એન્ટિબૉડી ટેસ્ટ કિટના વેચાણ પર પણ પ્રશ્ન ઊઠયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : ઘરગથ્થુ કોરોના ટેસ્ટ કિટ (કોવિડ સેલ્ફ ટેસ્ટ કિટ) સાથે જ ઘરગથ્થુ ઍન્ટિબૉડી ટેસ્ટ કિટ પણ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. કોવિડ સેલ્ફ ટેસ્ટ કિટની સરખામણીમાં ઍન્ટિબૉડી ટેસ્ટ કિટનું વેચાણ ખૂબ ઓછું હોવા છતાં હવે એના વેચાણ પર પણ સવાલ ઊભો કરવામાં આવી રહ્યો છે. 
વ્યક્તિ ઘરે જ ટેસ્ટ કરી શકે અને રિપોર્ટ માટે રાહ જોવી ન પડે એ માટે ઘરગથ્થુ કોવિડ ટેસ્ટ કિટના વેચાણ અને ઉપયોગ માટે આઈસીએમઆર (ઇન્ડિયન કાઉન્સિલ અૉફ મેડિકલ રીસર્ચ)એ પરવાનગી આપી હતી. પરંતુ કિટ વાપરનારાઓ ટેસ્ટના રિપોર્ટની માહિતી છૂપાવી રહ્યા હોવાથી સંક્રમણના ફેલાવાનું જોખમ વધતું હોવાથી કોવિડ સેલ્ફ ટેસ્ટ કિટના વેચાણ માટે પાલિકાએ નિયમાવલી જાહેર કરી છે. આ નિયમાવલી પરથી ઉત્પાદક, વિતરક, કેમિસ્ટ અને હૉસ્પિટલ પાસેથી વેચાણની માહિતી મેળવીને દર્દીઓને શોધવામાં આવી રહ્યા છે. એની સામે ઍન્ટિબૉડી ટેસ્ટ કિટ પણ બજારમાં વેચાણ માટે ઉપલબ્ધ છે. અૉનલાઈન પણ એનું વેચાણ થાય છે. આથી આ કિટના વેચાણ અંગે અને એના રિપોર્ટ વિશે પણ સવાલ કરાઈ રહ્યા છે. મહારાષ્ટ્ર ઍસોસિએશન અૉફ પ્રેક્ટિસિંગ પૅથૉલૉજિસ્ટ ઍન્ડ માઈક્રોબાયોલૉજિસ્ટના ડૉ. પ્રસાદ કુલકર્ણીએ આ સંદર્ભે એક ટ્વિટ કરીને આઈસીએમઆર અને આરોગ્ય વિભાગને ફરિયાદ કરી છે.
અૉલ ફૂડ ઍન્ડ ડ્રગ લાયસન્સ ફાઉન્ડેશનના અધ્યક્ષ અભય પાંડેએ જણાવ્યું હતું કે ઍન્ટિબૉડી ટેસ્ટ કિટ છેલ્લા છ-સાત મહિનાથી બજારમાં ઉપલબ્ધ છે. પરંતુ આ અંગે નાગરિકોને પૂરતી માહિતી નહીં હોવાથી એનું વેચાણ ખૂબ ઓછું છે. આ કિટના વેચાણ પર કેટલાક ડૉકટરોએ સવાલ ર્ક્યો હોય તો પણ કોરોના ટાસ્કફોર્સના સભ્ય ડૉ. શશાંક જોશીએ જણાવ્યું હતું કે બંને ટેસ્ટ કિટનો ઉપયોગ નાગરિકો માટે લાભદાયક છે. પરંતુ એનો ઉપયોગ કરનારાઓએ પોતાની જવાબદારી ઓળખવી જરૂરી છે. ટેસ્ટ અંગે માહિતી આપીને ડૉક્ટરોની સલાહ મુજબ સારવાર કરવી અને નિયમ પાળવા જરૂરી છે.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer