બીજાની બાઈક ચલાવનારનું અકસ્માતમાં મોત થાય તો તેના આશ્રિતોને વળતર ન મળે : હાઈ કોર્ટ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : મુંબઈ હાઈ કોર્ટે તાજેતરમાં એવો ચુકાદો આપ્યો હતો કે, માલિક પાસેથી માંગેલી મોટર બાઈક ચલાવનારનું જો અકસ્માતમાં મોત થાય તો અને તેમાં અન્ય વાહનની સંડોવણી ન હોય તો તેના આશ્રિતો (તેના પર આધાર રાખનારઓ) મોટર વેહીકલ એક્ટ હેઠળ ત્રીજા પક્ષકાર તરીકે કે પિડિતના વળતર તરીકે લાયક ઠરતા નથી.
એમવીએ એક્ટની કલમ 163 એમાં એવી જોગવાઈ છે કે, મોટર વાહનનો માલિક કે સત્તાવાર વીમાધારક વાહનના વપરાશને કારણે થયેલા અકસ્માતમાં મૃત્યુ કે કાયમી ખોડ માટે પિડિતના કે અકસ્માતનો ભોગ બનનારના કાયદેસરના વારસદારોને વળતર ચૂકવવા માટે જવાબદાર બને છે.
જસ્ટિસ એન. જે. જમાદારે એવું નિરીક્ષણ કર્યું હતું કે, ભાઈની મોટરસાઈકલ ચલાવનારનું કામ માટે ગોવાના વાસ્કો તરફ જતી વખતે 2007માં થયેલા અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેના આશ્રિતો એમ.વી. એક્ટની કલમ 163એ હેઠળ વળતર માટે લાયક ઠરતા નહોતા, પરંતુ તેઓ રૂપિયા એક લાખ માટે લાયક ઠરતા હતા, જેની માલિક કમ ડ્રાઈવરના વીમા કોન્ટ્રેક્ટમાં જોગવાઈ હતી. અરજીની તારીખથી 8 ટકા વ્યાજ માટે પણ તેઓ લાયક ઠરાયા હતા.
અકસ્માતમાં મૃત્યુ પામેલી વ્યક્તિએ તેના ભાઈ પાસેથી મોટરસાઈકલ ચલાવવા લીધી હતી, તે વાહનના માલિકનું કામ કરતો ન હતો. એટલે વીમા કંપની માટે તે ત્રીજો પક્ષકાર પણ નહોતો, એમ હાઈ કોર્ટે જણાવ્યું હતું.
2013માં ન્યૂ ઇન્ડિયા એસ્પોરન્સ કંપની લિમિટેડે મે, 2012ના મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રીવ્યુનલ (એમએસીટી)ના એવા ચુકાદા સામે અપીલ કરી હતી, જેમાં મોટરસાઈકલ ચલાવનારા ભાઈના આશ્રિતોને વ્યાજ સાથે રૂપિયા 4 લાખ ચૂકવવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
4 જાન્યુઆરીના અપાયેલા ચુકાદામાં બૉમ્બે હાઈ કોર્ટે ઉપર મુજબનું તારણ કાઢ્યું હતું અને જણાવ્યું હતું કે, ભાઈની મોટરસાઈકલ ચલાવનારના આશ્રિતો ત્રીજા પક્ષકારના વળતર માટે લાયક ઠરતા નથી.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer