પાલિકાની સ્થાવર મિલકતો પર જાહેરાતો દ્વારા રૂા. 200 કરોડની આવક રળવાનો પ્રસ્તાવ

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : કોરોનાને કારણે મુંબઈ પાલિકાની આવક પર અસર પડી છે. કોરોનાને કારણે આવક વધારવા ઉપરાંત મહેસૂલ એકત્ર કરવામાં પણ પાલિકાને અવરોધ નડી રહ્યા છે. બીજી તરફ કોરોના પ્રતિબંધક ઉપાયો પર ખર્ચ વધી રહ્યો હોવાથી આવક વધારવાના નવા નવા પર્યાય શોધવાના પાલિકાના પ્રયત્નો ચાલુ છે. 
પાલિકા પોતાની માલિકીની જગ્યાઓ પર જાહેરાતો માટે પરવાનગી આપીને આવક ઊભી કરવાનું વિચારી રહી છે. આ પ્રકારની જાહેરાતો દ્વારા દર વર્ષે 200 કરોડ રૂપિયા સુધીની આવક મળવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે.
પાલિકા મુંબઈમાં ઘણી મિલકત ધરાવે છે, જેમાં પાલિકાની શાળાઓ અને હૉસ્પિટલો વગેરેનો સમાવેશ થાય છે. એ સ્થળોએ જાહેરાતો માટે પરવાનગી આપવામાં આવે તો તેમાંથી પાલિકાને આવકનો ખાતરીદાયક સ્રોત ઉપલબ્ધ થવાની શક્યતા છે. 
અૉક્ટ્રોય પર પ્રતિબંધ આવતા પાલિકાનો આવકનો મહત્વનો સ્રોત બંધ થયો છે. ઉપરાંત કોરોનાને કારણે પાલિકા સામે આર્થિક પડકારો ઊભા થયા છે. બીલ્ડરો, હૉટલ વ્યવસાયિકો જેવા કેટલાક વ્યવસાયો માટે પાલિકાએ રાહતો જાહેર કરી છે. આથી પાલિકા આવકના વધારાના સ્રોત શોધવાના પ્રયત્નમાં છે. પાલિકાની મિલકતો પર જાહેરાતો માટે સલાહકારની નિમણૂંક કરવામાં આવશે અને ટેન્ડર બહાર પાડવામાં આવશે. 
જાહેરાત આપનારાઓને પણ ફાયદો
મુંબઈમાં પાલિકાની અનેક મિલકત મહત્વના સ્થળે હોવાથી ત્યાં જાહેરાત પ્રદર્શિત કરતાં સંબંધિત કંપની-જાહેરાત આપનારાઓને પણ ફાયદો થશે, એવું પાલિકાના અધિકારીઓનું કહેવું છે.  ફોર્ટ, ભાયખલા, દાદર, બાન્દ્રાથી દહિસર, મુલુંડ સુધી અનેક મહત્વના સ્થળે પાલિકાની મિલકતો છે. આથી પાલિકાના આ પર્યાયને સારો પ્રતિસાદ મળવાની શક્યતા વર્તાવવામાં આવે છે.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer