હાઈ કોર્ટે સ્ટેમ્પ પેપરની અછત અંગે રાજ્ય સરકાર પાસે ખુલાસો માગ્યો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : ઓછા વિક્રેતાઓને કારણે બિન અદાલતી સ્ટેમ્પ પેપરની સર્જાયેલી અછત પર ચિંતા વ્યક્ત કરતી જાહેરહિતની અરજી સંબંધમાં બૉમ્બે હાઈ કોર્ટે રાજ્ય સરકાર પાસેથી જવાબ માગ્યો હતો.
`અરજદારે વિક્રેતાઓની અછતનો જે મુદ્દો ઉઠાવ્યો છે તે પ્રાથમિક રીતે ગંભીર છે અને તેની વધુ તપાસ થવી જોઈએ' એમ મુખ્ય ન્યાયમૂર્તિ દિપાંકર દત્તા અને જસ્ટિસ માર્કંડ કર્ણિકની ડિવિઝનલ બેન્ચે જણાવ્યું હતું અને આ અરજીનો બે સપ્તાહમાં પ્રતિસાદ આપવા રાજ્ય સરકારને આદેશ આપ્યો હતો.'
આ અરજીમાં ધારાશાત્રી ઉદય વારુંજીકરે એવી દલીલ કરી હતી કે મુંબઈમાં માત્ર 13 સ્ટેમ્પ વિક્રેતા છે જ્યારે રાજ્યમાં 3556 લાઇસન્સધારી સ્ટેમ્પ વિક્રેતાઓ છે. ઓછી સંખ્યામાં વિક્રેતાઓ હોવાના કારણે મુંબઈમાં સ્ટેમ્પ પેપરની ભારે તંગી ઊભી થઈ છે. 1999માં મુંબઈમાં 250થી વધુ લાઇસન્સધારી સ્ટેમ્પ વિક્રેતાઓ હતા પરંતુ અબ્દુલ કરીમ તેલગીને સંડોવતા સ્ટેમ્પ સ્કેમમાં ત્યારે નકલી સ્ટેમ્પ પેપર વેચવા માટે ઘણાની ધરપકડ થઈ હતી અને ઘણા વિક્રેતાઓએ લાઇસન્સ પાછા આપી દીધાં હતાં.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer