મહારાષ્ટ્રમાં રૂા. 837 કરોડનો સાયબર સિક્યોરીટી પ્રોજેક્ટ પુનર્જીવિત કરાયો

અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : મહારાષ્ટ્ર સરકારે 2017માં રૂપિયા 837 કરોડના સાયબર સિક્યોરીટી પ્રોજેક્ટને મંજૂર ર્ક્યો હતો અને જ્યાં સુધી સાયબર સુરક્ષાનો સવાલ છે. આ પ્રોજેક્ટને `ગૅમ ચેન્જર' માનવામાં આવ્યો હતો, પરંતુ આ પ્રોજેક્ટ જેમનો તેમ રહી ગયો હતો. જોકે, સૂત્રોએ જણાવ્યું કે આ પ્રોજેક્ટને પુનર્જીવિત કરવામાં આવી રહ્યો છે અને આ સંબંધમાં સુધારાયેલાં પ્રસ્તાવ પર કામ થઈ રહ્યું છે.
ગયા સપ્તાહમાં મહારાષ્ટ્રના ગૃહપ્રધાન દિલીપ વળસે પાટીલે જણાવ્યું હતું કે, નવી મુંબઈના મ્હાપે ખાતે અંદાજે રૂપિયા 900 કરોડમાં સાયબર સિક્યોરીટી પ્રોજેક્ટ ઊભો કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટને 2016માં તત્કાલીન મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મંજૂર ર્ક્યો હતો. ત્યારબાદ 2019માં પાંચ માળની ઇમારત મિલેનિયમ બિઝનેશ પાર્કને રાજ્ય સરકાર દ્વારા ખરીદવામાં આવી હતી.
આ ઇમારત ખાતે જરૂરી સાધનો માટે રીકવેસ્ટ ફૉર પ્રપોઝલ (આરએફપી) તૈયાર કરવામાં આવી હતી અને ટેન્ડરો મંગાવવામાં આવ્યા હતા.
સૂત્રોએ જણાવ્યું હતું કે, રૂપિયા 2000 કરોડની માંગણી કરતા આ ટેન્ડરો કિંમત કરતા વધારે હતા અને એટલે આ પ્રોજેક્ટ પર કામ શરૂ થઈ શકયું નહતું. અન્ય એક અધિકારીએ જણાવ્યું હતું કે, 2019ના અંત સુધીમાં મહાઆઘાડી સરકાર સત્તા પર આવી હતી અને તેણે આ પ્રોજેક્ટની આગેવાની લેનારા અધિકારીઓની બદલી કરી દીધી હતી. તેના પરિણામે બિલ્ડિંગ ખરીદાઈ હોવા છતાં આ પ્રોજેક્ટ સ્થગિત થઈ ગયો હતો અને એક વેળા તો એવુ વિચારી લેવામાં આવ્યું હતું કે, આ બિલ્ડિંગનો ઉપયોગ અન્ય પ્રોજેક્ટો માટે કરવામાં આવે.
જોકે, સાયબર ક્રાઈમમાં વધારો થતાં આખરે રાજ્ય સરકારને આ પ્રોજેક્ટને પુનર્જીવિત કરવાની ફરજ પડી છે.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer