બુલ્લી બાઈ ઍપ કેસના આરોપીઓની જામીન અરજીનો પોલીસે વિરોધ કર્યો

મુંબઈ, તા. 17 (પીટીઆઈ) : મુંબઈ પોલીસે સોમવારે સ્થાનિક કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે બુલ્લી બાઈ ઍપ કેસના આરોપીઓએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટસના નામમાં શીખ સમાજને મળતા આવતા નામોનો જાણી જોઈને ઉપયોગ કર્યો હતો. આમ તેમનો ઇરોદો સમાજમાંની શોતિનો ભંગ કરવાનો અને ધાર્મિક જૂથો વચ્ચે શત્રુતા પેદા કરવાનો હતો. 
બુલ્લી બાઈ મોબાઈલ ઍપ પર મુસ્લિમ મહિલાઓની લિલામીના ઇરાદે તેમની તસવીરો અપલોડ કરવામાં આવી હતી અને મુંબઈ પોલીસે આ સંબંધમાં ત્રણ વિદ્યાર્થીની ધરપકડ કરી છે. 
મુંબઈ પોલીસે સોમવારે બાંદ્રાની મેજિસ્ટ્રેટ કોર્ટમાં એક સોગંદનામુ પેશ કરી ત્રણ આરોપીએ નોંધાવેલી જામીન અરજીનો વિરોધ કર્યો હતો. આ કેસમાં પોલીસે જે ત્રણ આરોપીને પકડયા છે, એમાંથી વિશાલકુમાર ઝાને બેંગ્લોરમાંથી જ્યારે શ્વેતા સિંહ અને મયંક રાવતને ઉત્તરાખંડમાંથી પકડવામાં આવ્યા હતા. અત્યારે ત્રણે અદાલતી કસ્ટડીમાં છે. ઝા અને રાવતને કોરોના થયો હોવાથી તેમને પાલિકાની હૉસ્પિટલમાં ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. 
મેજિસ્ટ્રેટે બન્ને પક્ષની દલીલો સાંભળ્યા બાદ જામીન અરજીની વધુ સુનાવણી મંગળવારે (આજે) કરવાની જાહેરાત કરી હતી. 
પોલીસનું કહેવું છે કે, આરોપીઓને જો જામીન મળશે તો તેઓ ભાગી જશે અથવા કેસના પુરાવા સાથે ચેડા કરી શકે છે એટલે તેમને જામીન ન આપવા જોઈએ. આ પ્રકરણમાં દિલ્હી પોલીસે પણ કેસ રજિસ્ટર કર્યો છે અને બે આરોપીની ધરપકડ કરી છે અને આ બન્ને આરોપીની કસ્ટડી લેવા મુંબઈ પોલીસની ટીમ દિલ્હી ગઈ છે.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer