કોરોના : નવા અઢી લાખ સંક્રમિતો સામે દોઢ લાખ સાજા

ઓમિક્રોનના 8209 દર્દીમાંથી 3109 સાજા, મૃત્યુ દર ઘટીને 1.30 ટકા
નવી દિલ્હી, તા. 17 : ભારતમાં સોમવારે અઢી લાખથી વધુ નવા દર્દી સામે આવ્યા હતા, તો દોઢ લાખથી વધુ દર્દી સાજા પણ થયા હતા. આજે સારવાર હેઠળ છે, તેવા એકલાખ દર્દી વધ્યા હતા. બીજી બાજુ ઓમિક્રોનના 466 નવા દર્દી નોંધાતાં કુલ્લ આંક 8209 થયો છે.
દેશમાં કુલ્લ સંક્રમિતોની સંખ્યા 3,73,80,253 પર પહોંચી ગઇ છે, તો 24 કલાક દરમ્યાન કેરળમાં 158 સહિત દેશમાં વધુ 385 દર્દીનું આયખું કોરોનાએ ટૂંકાવતાં કુલ્લ 4,86,451 દર્દી જીવ ખોઇ ચૂક્યા છે.
આજે 1,05,964 કેસના વધારા બાદ આજની તારીખે સારવાર લેતા દર્દી 16.50 લાખને આંબી, 16,56,341 થઇ ગયા છે. સક્રિય કેસોનું પ્રમાણ 4.43 ટકા થઇ ગયું છે. 
દેશનાં વિવિધ રાજ્યોમાં છેલ્લા 24 કલાક દરમ્યાન વધુ 1,51,740 દર્દી ઘાતક વાયરસ સામે જંગ જીતી જતાં કુલ્લ 3.52 કરોડથી વધુ 3,52,37,461 સંક્રમિતો સાજા થઇ ચૂક્યા છે. 
સાજા કરતાં રોજ નવા દર્દી વધારે આવતા હોવાથી સાજા થતા દર્દીઓનો દર એટલે કે રિકવરી રેટ ઘટીને 94.27 ટકા થઇ ગયો છે. સંક્રમણનો દૈનિક દર વધીને 19.65 ટકા થઇ ગયો છે, તો સાપ્તાહિક દર પણ 14.41 ટકા થયો છે. કોરોનાથી મૃત્યુનો દર ઘટીને 1.30 ટકા થઇ ગયો છે. ઓમિક્રોનના કુલ્લ 8209માંથી 3109 દર્દી સાજા થઇ ચૂક્યા છે. 

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer