સુપ્રીમ કોર્ટે દેવાસ મલ્ટીમીડિયાની અરજી રદ કરી

યુપીએના કાર્યકાળનો એન્ટ્રિકસ કેસ
નવી દિલ્હી, તા.17 (પીટીઆઈ): સુપ્રીમ કોર્ટે દેવાસ મલ્ટીમીડિયાના સમાપનના આદેશ વિરુધ્ધ કંપનીની અરજીને સોમવારે રદ કરી નાખી હતી. ન્યાયાધીશ હેમંત ગુપ્તા અને ન્યાયાધીશ વી. રામસુબ્રમણ્યમે દેવાસ મલ્ટીમીડિયા પ્રાઈવેટ લિમિટેડની અરજીને રદ કરી છે.  રાષ્ટ્રીય કંપની કાયદા ન્યાયાધિકરણ (એનસીએલએટી)ની બેંગ્લોર ખંડપીઠે પૂર્વના આદેશને જાળવી રાખ્યો જેને પચીસમી મે, 2021ના દેવાસ મલ્ટીમીડિયાને બંધ કરવા અને તેના કામ માટે એક પ્રોવિઝનલ લિકવીડેટરની નિમણૂંક કરી છે. 
એનસીએલએટીએ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ની કોમર્સ શાખા એન્ટ્રિકસ કોર્પોરેશનની અરજી ઉપર આ નિર્દેશ આપ્યા હતા. એનસીએલએટીએ જણાવ્યું હતું કે, દેવાસ મલ્ટીમીડિયાએ યુપીએ સરકારના કાર્યકાળમાં વર્ષ 2005માં બેન્ડવિથ પ્રાપ્ત કરવા એન્ટ્રિકસ કોર્પોરેશનના તત્કાલીન કર્મચારીઓ સાથે મિલીભગત કરી સમજૂતી કરાર કર્યા હતા, જેને બાદમાં સરકારે રદ કર્યો હતો. આ આદેશને દેવાસ મલ્ટીમીડિયા અને તેના શેરધારકો દેવાસ એમ્પલોય્ઝ મોરિશિયસ પ્રાઈવેટ લિમિટેડએ એનસીએલએટીની ચેન્નઈ ખંડપીઠ સમક્ષ પડકાર ફેંકયો હતો આ અરજીને સોમવારે રદ કરવામાં આવી છે. દેવાસ અનુસાર આ સમજૂતી કરારનો હેતુ એન્ટ્રિકસના હિતમાં મોટું રોકાણ કરવાનો હતો.  
દેવાસ સામે સીબીઆઇએ ચાર્જશીટ દાખલ કર્યા બાદ ઇડીએ તપાસ કરી હતી અને હાલ પીએમએલએ પાસે આ કેસની તપાસ ચાલી રહી છે તેમ જ વાણિજ્ય મંત્રાલયે પણ દેવાસ સામે તપાસના આદેશ આપ્યા હતા. જેના ઉપર બાદમાં દિલ્હી હાઈ કોર્ટે સ્ટે મૂકયો હોવાનું નિરીક્ષણ ખંડપીઠે કર્યુ હતું. આ કથિત સોદામાં ડૉ. મનમોહન સિંઘ સરકારના કાર્યકાળમાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચરાયાનો આક્ષેપ છે. 

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer