હું મોદીને મારી શકું છું, ગાળો આપી શકું છું, એમ કહ્યા બાદ પાટોલેએ કર્યો બચાવ

હું મોદીને મારી શકું છું, ગાળો આપી શકું છું, એમ કહ્યા બાદ પાટોલેએ કર્યો બચાવ
સ્વાતંત્ર્ય માટે લડનારો પક્ષ આ સ્તરે પહોંચ્યો છે : ફડણવીસ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 17 : હું મોદીને મારી શકું છું અને ગળો પણ આપી શકું છું એવો કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા નાના પાટોલેને વીડિયો વાયરલ થયો છે. તેના પગલે નાના પાટોલે વિવાદમાં અટવાયા છે. આ વીડિયોને પગલે ભાજપએ નાના પાટોલેની આકરી ટીકા કરી છે. જોકે, પાટોલેએ પોતાના બચાવમાં જણાવ્યું છે કે, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી નહીં, પરંતુ ગામડાંના સ્થાનિક ગુંડા વિશે બોલતો હતો.
ન્યૂસ ચૅનલ દ્વારા આ ઉક્ત વીડિયો પ્રસારિત કરાયો છે, તેમાં પાટોલે મહારાષ્ટ્રના ભંડારા જિલ્લામાં ગ્રામવાસીઓ સાથે વાતચીત કરતાં એવું બોલતા સંભળાય છે કે, હું મોદીને મારી શકું છું અને તેમને ગાળો પણ આપી શકું છું. તેના કારણે જ તે મારી વિરુદ્ધ પ્રચાર કરવા આવે છે.
આ વીડિયો અંગે નાના પાટોલેએ પોતાનું બચાવનામું રજૂ કર્યું છે. નાના પાટોલે કહે છે કે લોકોએ મારા મત વિસ્તારમાં મોદી નામના ગુંડા વિશે ફરિયાદ કરી હતી. તેથી મેં કહ્યું હતું કે, હું મોદીને મારી શકું છું અને ગાળો પણ આપી શકું છું. તેથી મને સ્પષ્ટતા કરવા દો કે, હું વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે બોલ્યો નહોતો. પણ સ્થાનિક ગુંડા મોદી વિશે બોલ્યો હતો. તે ગ્રામવાસીઓએ હેતુપૂર્વક મારો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ કર્યો છે, એમ પાટોલેએ ઉમેર્યું હતું.
ભાજપના આગેવાન દેવેન્દ્ર ફડણવીસે નાના પાટોલેની ટીકા કરતાં જણાવ્યું છે કે, પંજાબમાં વડા પ્રધાન મોદી રસ્તા વચ્ચે 20 મિનિટ અટવાઈ ગયા હતા અને કૉંગ્રેસના મુખ્ય પ્રધાન તેની નોંધ લેવા સુદ્ધાં તૈયાર નહોતા. હવે કૉંગ્રેસના મહારાષ્ટ્ર એકમના વડા નાના પાટોલે કહે છે કે હું મોદીને મારી શકું છું, ગાળો આપી શકું છું. એક જમાનામાં સ્વાતંત્ર્ય માટે લડનારો પક્ષ આ સ્તર સુધી પહોંચ્યો છે. પાટોલેને જાણ હોવી જોઈએ કે શારીરિક ઊંચાઈથી ચાલતુ નથી. વૈચારિક-માનસિક ઊંચાઈ પણ જોઈએ, એમ ફડણવીસે ઉમેર્યું હતું. ભાજપના મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રકાંત પાટીલે જણાવ્યું છે કે મેં મારા બધા જિલ્લા અધ્યક્ષોને આ મુદ્દે આક્રમક થવાની સૂચના આપી છે. કેન્દ્રના પ્રધાન રાણેએ એક લાફો મારીશ એવું વિધાન કર્યું પછી તેમની ધરપકડ કરવામાં આવી હતી, પણ નાના પાટોલે વિરુદ્ધ કાર્યવાહી કરવાની શિવસેનાના વર્ચસ હેઠળની સરકારમાં તાકાત નથી. તેનું કારણ કૉંગ્રેસ ટેકો પાછો ખેંચે તો સત્તા ગુમાવવાનો શિવસેનાને ભય છે, એમ પાટીલેએ ઉમેર્યું હતું.

Published on: Tue, 18 Jan 2022

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer